Gujarat

છોટાઉદેપુરમાં વૃદ્ધાના પગ કાપી ચાંદીના કડા લૂંટનાર ઝડપાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદમાં થયેલા સનસનાટીભર્યા લૂંટ વિથ મર્ડર કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ ક્રૂર ઘટનામાં 75 વર્ષીય વૃદ્ધાના પગ કાપીને ચાંદીના કડાની લૂંટ ચલાવનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ દેવું ચુકવવા માટે 1 મહિના અગાઉથી આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

પગ કાપીને કડાની લૂંટની સમગ્ર ઘટના ગઢ બોરીયાદ ખાતે રહેતા 75 વર્ષીય દશરીબેન ભીલ ગત 29 એપ્રિલના રોજ પોતાના ઘરે એકલા હતા, ત્યારે રાત્રિના સમયે લૂંટના ઈરાદે ત્રાટકેલા શખ્સોએ તેમની નિર્મમ હત્યા કરી હતી. વૃદ્ધાના પગમાં પહેરેલા ચાંદીના કડા સહેલાઈથી ન નીકળતા, હત્યારાઓએ કુહાડી કે તીક્ષ્ણ હથિયારથી તેમના પગ કાપી નાખ્યા હતા અને કડા લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ અને આરોપીઓની ધરપકડ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી નસવાડી પોલીસ અને જિલ્લા LCBની 5 ટીમો તપાસમાં જોડાઈ હતી. CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શંકાસ્પદ રણજીત ઉર્ફે રંગો વિનુ ભીલ (રહે. ધોળી કોતર) અને બિપિન ઉર્ફે વિકો કચરા ભીલ (રહે. ખડકીયા)ની અટકાયત કરી હતી. કડક પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી.

મુખ્ય આરોપી રણજીત ભીલનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તે અગાઉ 2025માં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. રણજીતે ફાયનાન્સ પર ઈકો ગાડી લીધી હતી, જેના 2 હપ્તા બાઉન્સ થયા હતા. દેવું વધી જતાં તેણે દશરીબેનને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. તે જાણતો હતો કે વૃદ્ધા ભારે વજનના ચાંદીના કડા પહેરે છે. આ આર્થિક ભીંસ દૂર કરવા તેણે 1 મહિના અગાઉથી લૂંટનું કાવતરું ઘડ્યું હતું.