Gujarat

ખરાબ રસ્તાથી પરેશાન ગ્રામજનોએ એક પણ મત ન આપ્યો, વિરોધ છતાં તંત્ર ગાઢનિંદ્રામાં

છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના રોજવા ગામના ગ્રામજનોએ પાકા રસ્તાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ખરાબ રસ્તાથી પરેશાન ગ્રામજનોએ એક પણ મત આપ્યો ન હતો. આ ઘટના છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ગ્રામજનોના મતે, રોજવા ગામથી મધ્યપ્રદેશના ઘોડા ગામ સુધીનો આશરે ૩ કિલોમીટર લાંબો રસ્તો લગભગ ૨૦ વર્ષ પહેલા બન્યો હતો. ત્યારથી તેનું સમારકામ કે નવો રસ્તો બન્યો નથી. ગામની અંદરનો આરસીસી રસ્તો પણ તૂટી ગયો છે અને તેના સળિયા બહાર નીકળી ગયા છે, જે અકસ્માતનો ભય ઉભો કરે છે.

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ રસ્તો મોટા રામપુરાથી રોજવા અને ઘોડા ગામ સુધીનો ૭ કિલોમીટર લાંબો છે. ઘોડા ગામ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકામાં આવેલું છે. કઠીવાડા તાલુકાના અનેક ગામના લોકો કામ અર્થે કઠીવાડા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી અહીં નોંધપાત્ર અવરજવર રહે છે.

રોજવાથી ઘોડા સુધીનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. ડામર સંપૂર્ણપણે નીકળી ગયો છે અને માત્ર મોટા મેટલ તથા ધૂળ જ જોવા મળે છે. આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. વાહનોના પંચર પડવા અને મોટરસાયકલ સ્લીપ થઈ જવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.