Gujarat

ભાવનગરના તળાજા પંથકના મથાવડા ગામે ચેકડેમમાં ૪ યુવાનો ડૂબ્યા, બેના મોત

જિલ્લાના તળાજા પંથકમાં આવેલ મથાવડા ગામે ચેકડેમમાં ચાર યુવાનો ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી, આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. યુવાનો ડૂબવા લાગતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને દોડી આવેલા સ્થાનિક લોકોએ ભારે સાહસ દાખવીને બે યુવાનોને સમયસર પાણીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો હતો.

આ કરુણ ઘટનામાં ૧૯ વર્ષીય મિલનભાઈ ગોવિંદભાઈ શીયાળ અને ૧૮ વર્ષીય તુષારભાઈ ગંભીરભાઈ શીયાળના મોત થયા છે. બંને યુવાનોના મોતના સમાચાર સામે આવતા પરિવારજનો અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એકસાથે બે યુવાનોના મોતથી સમગ્ર વિસ્તારમાં પણ ગમગીનીનો માહોલ છવાયો છે.

આ ગંભીર ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ચેકડેમમાં ચાર યુવાનો કેવી રીતે ડૂબ્યા અને ઘટના સમયે ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.