સાણંદ GIDC પોલીસે વાહનચોરીના ગુનાઓમાં બે આરોપીઓને પકડ્યા છે. તેમની પાસેથી અલગ-અલગ કંપનીનાં 14 મોટરસાઇકલ અને સ્કૂટર જપ્ત કર્યાં છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ વણઉકેલાયેલા વાહનચોરીના ગુનાઓ શોધવા ટીમ બનાવવામાં આવી હતી.
બાતમી, CCTV ફૂટેજ અને ટેક્નિકલ તપાસના આધારે પોલીસે નિલેશકુમાર ઉર્ફે બબુ રામુભાઇ સોલંકીની પૂછપરછ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ, નિલેશકુમારે સાણંદ GIDC, સાણંદ ટાઉન, સરખેજ અને વિરમગામ રૂરલમાંથી વાહનો ચોર્યાની કબૂલાત કરી હતી. જપ્ત વાહનોમાં રોયલ એન્ફિલ્ડ બુલેટ, સ્પ્લેન્ડર, હોન્ડા શાઇન, એક્ટિવા અને લિવોનો સમાવેશ થાય છે.
પોલીસે સાણંદ GIDC વિસ્તારમાં વાહનચોરીના 6, સાણંદ ટાઉનમાં 5, વિરમગામ રૂરલમાં 1 અને સરખેજમાં 1 ગુનો ઉકેલ્યો છે. આ ઉપરાંત એક કાળા રંગની સ્પ્લેન્ડર સહિત કુલ 14 વાહનો જપ્ત કર્યાં છે. પકડાયેલા આરોપીઓમાં બકરાણા ગામ, સાણંદના નિલેશકુમાર ઉર્ફે બબુ રામુભાઇ સોલંકી અને વણી ગામ, વિરમગામના લાલાભાઇ બોધાભાઇ ભરવાડનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, લાલાભાઇએ ચોરાયેલી એક રોયલ એન્ફિલ્ડ બુલેટ ખરીદી હતી.

