Gujarat

હાથમતી જળાશયમાંથી રવિ પાક માટે પાણી છોડાયું

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવિ પાકની સિંચાઈ માટે હાથમતી જળાશયમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. પ્રથમ પિયત હેઠળ હાલ ‘બ’ ઝોનમાં 100 ક્યુસેક પાણી છોડાયું છે. આગામી 15 દિવસ સુધી પાણી આપવાનું આયોજન છે.

સમગ્ર સિઝનમાં તબક્કાવાર કુલ પાંચ પિયત આપવાની યોજના છે. ‘અ’ ઝોન હેઠળ હિંમતનગર તાલુકાનાં 32 ગામોના 5,666 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. ‘બ’ ઝોનમાં નદી મારફતે વીઅર સુધી પાણી પહોંચાડીને સિંચાઈ માટે છોડાયું છે. આ ઝોનમાં પ્રાંતિજ, ગાંધીનગર અને દહેગામ તાલુકાનાં કુલ 57 ગામોના 11,826 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને લાભ મળશે. તેમાં પ્રાંતિજનાં 43, ગાંધીનગરનાં 9 અને દહેગામનાં 5 ગામોનો સમાવેશ થાય છે.

રવિ સિઝનમાં ખેડૂતો ઘઉં, ડાંગર અને મકાઈ સહિતના પાક ઉગાડી રહ્યા છે. ઉભા પાકને સમયસર પાણી મળે તે માટે સિંચાઈ વિભાગે પાણી છોડવાનું આયોજન કર્યું છે. હાલ 100 ક્યુસેક પાણી છોડાયું છે અને આગામી દિવસોમાં પ્રવાહ 100થી 150 ક્યુસેક સુધી રાખવાનું આયોજન છે.

હાથમતી જળાશયમાંથી પ્રથમ પિયત શરૂ થતાં હિંમતનગર, પ્રાંતિજ, ગાંધીનગર અને દહેગામ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. આગામી સમયમાં તબક્કાવાર પાંચ પિયત આપવાની યોજના છે.