Gujarat

કારેલીબાગમાંથી સટ્ટા અને કસીનો ગેમનું નેટવર્ક ઝડપાયું

વડોદરાના કારેલીબાગ રોડ પર આવેલા નિસાત કોમ્પ્લેક્સમાંથી ઓનલાઈન ક્રિકેટ, ફૂટબોલ મેચના સટ્ટા તેમજ કસીનોની જુદી-જુદી ગેમ રમાડી રૂપિયાની હારજીતનો ઓનલાઈન જુગાર ચલાવતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મોહંમદ અમ્માર સફીકભાઈ શેખ (નિસાત કોમ્પ્લેક્સ, થિયોસોફિકલ સોસાયટીની સામે, કારેલીબાગ રોડ, વડોદરા) તરીકે થઈ છે. આ કાર્યવાહીમાં મોબાઈલ,રોકડ રકમ, વાહન સહિત કુલ રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઓનલાઈન સટ્ટા અને કસીનો ગેમનું સંચાલન કરતો ઝડપાયેલા આરોપી મોહંમદ અમ્માર શેખે પોતાના આર્થિક ફાયદા માટે મધ્યપ્રદેશના રાજગઢ ખાતે રહેતા સુલતાન ખાન પાસેથી માસ્ટર આઈ.ડી. મેળવી હતી.

આ માસ્ટર આઈ.ડી.ના માધ્યમથી ઓનલાઈન સટ્ટા અને કસીનો ગેમનું સંચાલન કરવામાં આવતું હતું. આ માસ્ટર આઈ.ડી.ના આધારે આરોપીએ અન્ય વોન્ટેડ શખ્સોને ક્રિકેટ સટ્ટો તથા કસીનોની રૂપિયાની હારજીતની ગેમ/જુગાર રમવા માટે નાણા લઈને અલગ-અલગ આઈ.ડી.વેચાણથી આપી હતી.

3 સામે ગુનો નોંધાયો આ કાર્યવાહીની એલસીબી ઝોન 4 દ્વારા તોસીફ માજીદ શેખ (રહે. જલાલપુરા, તા. જંબુસર, જિ. ભરૂચ), ફૈઝલ ઈકબાલ ફક્રુભાઈ મલેક (રહે. જેતલપુર પાછળ ફળીયા, જેતલપુર રેસકોર્સ, વડોદરા) અને ગુલામ રસુલ ઉર્ફે મુન્ના ચાચુ અમીરભાઈ મલેક (રહે. પાદરા પો.સ્ટ., કોર્ટ ટાવરની સામે, પાદરા, જિ. વડોદરા) સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.