Gujarat

વિશ્વ કલ્યાણ મહોત્સવનો પ્રારંભ વડોદરાથી થશે

વલ્લભકુળભૂષણ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે વર્ષભર ચાલનારા ‘વિશ્વ કલ્યાણ મહોત્સવ’નો પ્રારંભ વડોદરાથી થવા જઈ રહ્યો છે. આગામી 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2026 દરમિયાન વાઘોડિયા રોડ સ્થિત રેવાપાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સમદિવસીય સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમો મહોત્સવના પ્રારંભિક તબક્કામાં 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન સમદિવસીય શ્રીમદ્ ભાગવત સત્સંગ યોજાશે, જેનું રસમય પ્રવચન પરમ પૂજ્ય શ્રી શરણમકુમારજી મહોદયશ્રીના મુખેથી થશે. આ ઉપરાંત વ્રજ 84 કોશ અને ગિરિરાજજી દર્શન-પરિક્રમા, ગિરિરાજજીનું નિત્ય પૂજન, અષ્ટ ગૌમાતા પૂજન, યમુનાજી વિશ્રામઘાટ ખાતે મહાઆરતી, છપ્પન ભોગ મહોત્સવ તેમજ યુવા, મહિલા અને બાળ શિબિરોનું આયોજન કરાયું છે.

છ દાયકાની સેવા અને સંસ્કારની જીવનયાત્રા પૂજ્ય મહારાજશ્રીના 60 વર્ષના જીવનકાળ દરમિયાન પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો અને સેવામાર્ગનો વ્યાપ વિશ્વભરમાં વિસ્તર્યો છે. વૈષ્ણવ યુવા સંગઠન અને વિપો (VIPO) દ્વારા યુવા પેઢીને ધર્મ અને સંસ્કાર સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સેવાકાર્યો દ્વારા વિશ્વકલ્યાણની ભાવનાને મૂર્ત રૂપ આપવામાં આવ્યું છે.

સેવા અને સકારાત્મક પરિવર્તનનો સંકલ્પ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રયકુમારજી મહોદયશ્રી અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાતા આ મહોત્સવનો મુખ્ય હેતુ સેવા, સંસ્કાર, શક્તિ અને સમર્પણના મૂલ્યો જનજન સુધી પહોંચાડવાનો છે. મહોત્સવ દરમિયાન દીકરીઓને વિદ્યાદાન, ભૂખ્યાને અન્નદાન, વૃક્ષદાન અને જ્ઞાનદાન જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરાશે.