Gujarat

ટંકારાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી દોઢ વર્ષ બાદ રાજકોટમાંથી ઝડપાયો

ટંકારાના હીરાપર ગામ પાસેથી સગીરાનું અપહરણ કરીને લઈ જવાના કેસમાં દોઢ વર્ષથી શોધાતો આરોપી રાજકોટના માંડાડુંગર વિસ્તારમાંથી ઝડપાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સગીરા સાથે ત્યાં રહી મજૂરી કરતો હતો.

પોલીસે તેની ધરપકડ કરીને કેસમાં પોક્સો એક્ટની કલમ ઉમેરી છે.પોલીસના જણાવ્યા મુજબ, 18 ઓક્ટોબર 2025ના રોજ સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે હીરાપર ગામના પાટિયા પાસેથી આરોપી હસમુખ ઉર્ફે જીગો સુરેશભાઈ ચૌહાણ સગીરાને ભગાડી લઈ ગયો હતો. આરોપી 21 વર્ષનો છે અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હડમતિયા જંકશનનો રહેવાસી છે.

આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) અને 87 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ સેરસીયા અને કોન્સ્ટેબલ કૌશિકકુમાર પેઢડિયાએ બાતમી તથા ટેકનિકલ માધ્યમથી તપાસ કરી હતી.

તપાસમાં આરોપી સગીરા સાથે રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી હતી. પોલીસે બંનેને શોધી કાઢ્યા અને આરોપીને ટંકારા પોલીસ સ્ટેશન લઈ જઈ ધરપકડ કરી. કેસમાં પોક્સો એક્ટની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.