Gujarat

દારૂ-બિયરની 630 બોટલ સાથે 1 આરોપી ઝડપાયો, 1 વોન્ટેડ જાહેર‎

ધંધુકા પોલીસે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે જાળીયા ગામના સતવારા ફળિયામાં દરોડો પાડી જમીનમાં દાટીને રાખવામાં આવેલ રૂ. 2,50,849ની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, જાળીયા ગામના સતવારા ફળિયામાં રહેતો જગદીશસિંહ વિક્રમસિંહ ઝાલા પોતાના ઘર નજીક ખુલ્લા ફળિયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર ત્રાટકીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘર પાસેના ખુલ્લા ફળિયામાં જમીનમાં દાટીને રાખેલા પ્લાસ્ટિકના કુલ 15 કેરબા મળી આવ્યા હતા. પોલીસે આ કેરબા બહાર કાઢી તપાસ કરતાં રોયલ ચેલેન્જ વ્હિસ્કી, રોયલ સ્ટેજ, પીએમ સ્પેશિયલ રેર વ્હિસ્કી તેમજ વિવિધ બ્રાન્ડની બિયરની બોટલો સહિત કુલ 630 નંગ બોટલો મળી આવી હતી.