અમદાવાદના થલતેજમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને અન્ય સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.લગ્નના થોડા મહિનાઓ બાદ જ ઘરકામ બાબતે શરૂ થયેલા ઝઘડાઓએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં સાસરિયાઓએ પરિણીતાના પિતા પાસે મકાન અથવા 1 કરોડ રૂપિયા રોકડા અને તેના પિતાની કંપનીમાં પતિને દર મહિને 3 લાખ રૂપિયાના પગારની માગ કરી હતી. સાસરિયાઓએ પરિણીતાના 105 તોલા સોનાના દાગીના પણ પરત આપ્યા નહોતા અને ઘરમાંથી કાઢી મૂકી હતી જે મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધી છે.
ઘરકામ બાબતે ઝઘડા શરૂ થયા થલતેજમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે હાલમાં પિતાના ઘરે રહે છે.પરિણીતા ઘરેથી જ એક કંપનીનું એકાઉન્ટ સંભાળી નોકરી કરે છે.
યુવતીના લગ્ન ગત એપ્રિલ 2022ના રોજ સોલામાં રહેતા સચિન વિનોદકુમાર અખાણી સાથે થયા હતા. લગ્નના ચારેક મહિના સુધી બધું બરાબર ચાલ્યા બાદ સાસુ અને પતિ દ્વારા ઘરકામ બાબતે નાની-નાની વાતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા. પતિ સચિને મારઝૂડ કરી હતી, અને સાસુ અલ્કાબેન, સસરા વિનોદકુમાર તેમજ નણંદ ભૂમિએ પણ પતિનો પક્ષ લઈને એકતાબેન અને તેમના માતા-પિતા વિશે અપશબ્દો બોલી સતત માનસિક ત્રાસ આપ્યો હતો.
105 તોલા સોનાના દાગીના પરત આપવાનો ઈન્કાર 13 સપ્ટેમ્બર 2023એ જ્યારે પરિણીતાના પિતા સામાજિક મિટિંગ માટે આવ્યા, ત્યારે સાસરિયાઓએ તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. પરિણીતા પિતાને મળવા ઘરની બહાર ગયા ત્યારે પતિ સચિને ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.ત્યારબાદ પતિ અને સાસુ-સસરાએ સ્પષ્ટ કહ્યું હતું કે, તારા પિતા મકાન લેવડાવે અથવા મકાન પેટે 1 કરોડ રૂપિયા રોકડા આપે, અને તારા પિતા પતિને તેમની કંપનીમાં નોકરી પર રાખી દર મહિને 3 લાખ રૂપિયા પગાર આપે તો જ તને ઘરમાં રાખીશું.પતિ સચિને એમ પણ કહ્યું હતું કે તે તેમની સાથે કોઈ સંતાન પેદા નહીં કરે. આ ઉપરાંત, પિયર અને સાસરી તરફથી મળેલા કુલ 105 તોલા સોનાના દાગીના પણ પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. 22 જૂને પોતાના દાગીના લેવા સાસરીમાં ગયા ત્યારે તેમને ઘરમાં ઘૂસવા ન દઈ બહારથી જ કાઢી મૂકવામાં આવ્યા હતા.બોડકદેવ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

