જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે ભારે વરસાદ અને કાદવભર્યા રસ્તાઓ વચ્ચે એક સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી હતી. આ ટીમે માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. વાડી વિસ્તારમાં મજૂરી કરતા 30 વર્ષીય કમલીબેન એયરને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી. તેઓ ચોથી ડિલિવરી હોવાથી હાઈ-રિસ્ક માતાની શ્રેણીમાં આવતા હતા. પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. હસમુખ સાગઠિયા અને પાયલોટ કમલેશ કંટારીયા અડધા કલાકમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, ભારે વરસાદને કારણે વાડી વિસ્તારનો રસ્તો કાદવ-કીચડથી ભરાયેલો હોવાથી એમ્બ્યુલન્સ કમલીબેનના ઘર સુધી પહોંચી શકી નહોતી.
માતાની નાજુક સ્થિતિ જોતા તેમને હોસ્પિટલ પહોંચાડવાનો સમય નહોતો. આ કટોકટીભરી પરિસ્થિતિમાં ૧૦૮ સ્ટાફે વિલંબ કર્યા વિના પોતાની સૂઝબૂઝ અને તબીબી કૌશલ્યનો ઉપયોગ કરીને સગર્ભાની ઘરે જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને હોસ્પિટલ ખસેડવાનો પડકાર ઊભો થયો હતો. એમ્બ્યુલન્સ સ્ટાફે સ્થાનિક લોકોની મદદથી માતા અને બાળકને ખાટલા પર સુવડાવીને આશરે ૫૦૦ મીટર જેટલું કાદવ-કીચડવાળું અંતર પગપાળા કાપી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.

