સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 11 રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે. સૌથી વધુ પાંચ રસ્તાઓ પલસાણા તાલુકામાં પ્રભાવિત થયા છે. આના કારણે લોકોને 2 થી 10 કિલોમીટર સુધીનો લાંબો ફેરવો કરવો પડી રહ્યો છે.
પલસાણા તાલુકામાં બલેશ્વર એપ્રોચ રોડ (નેશનલ હાઈવે નં. 48 જોડતો માર્ગ) બંધ થવાથી વાહનચાલકોને અંદાજે 3 કિલોમીટરનો ફેરવો કરવો પડે છે. આ ઉપરાંત, અંભેટી–વાઘેચ રોડ, પારડી પાટા–અંભેટી–કુચેડ રોડ અને ધોળાપીપળા–પેરા–સરભોણ–વાઘેચ રોડ બંધ થતાં લોકોને 10 કિલોમીટર સુધીનો લાંબો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડી રહ્યો છે.
એના–વિંઝોલિયા રોડ બંધ થવાથી 5 કિલોમીટર, જ્યારે તુંડી–દસ્તાન રોડ અને એના તુંડી કારેલી મોટા રોડ બંધ થવાથી 6 કિલોમીટરનો ફેરવો કરવો પડે છે. બગુમરા બલેશ્વર રોડ, બલેશ્વર એપ્રોચ રોડ (NH-48 જોડતો માર્ગ), બલેશ્વર–સાંકી રોડ અને કરણ–સાંકી–બગુમરા રોડ બંધ થતાં વાહનચાલકોને અંદાજે 10 કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડી રહ્યો છે.
અંબિકા તાલુકાના બે રસ્તા, મહુવા તાલુકાના ત્રણ રસ્તા અને અરેઠ તાલુકામાં ઉશ્કેર–બૌધાન મુખ્ય માર્ગથી નૌગામા–ઉશ્કેર મુખ્ય હાઈવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થતાં બંધ કરાયા છે. આ માર્ગો બંધ થતાં લોકોને અંદાજે 8.2 કિલોમીટરનો વધારાનો ફેરવો કરવો પડી રહ્યો છે.

