Gujarat

ધાબા પરથી ₹1.42 લાખની 114 બેટરીની ચોરી

અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલના જેલ સ્ટાફ ક્વોટર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. ક્વોટર્સના અલ- અલગ બ્લોકની લિફ્ટમાં ઉપયોગમાં લેવાતી 1.42 લાખ રૂપિયાની કુલ 114 બેટરીઓ ચોરાઈ ગઈ છે. આ મામલે જેલર જનક જોશીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લિફ્ટની બેટરીઓ ધાબા પર રખાઈ હતી જનક જોશી સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવવાની સાથે જેલ સ્ટાફ ક્વોટર્સની દેખરેખની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. ક્વોટર્સના અલગ-અલગ બ્લોકની લિફ્ટ માટેની બેટરીઓ ધાબા પર રાખવામાં આવી હતી. જોકે, કોઈ શખ્સ આ બેટરીઓ ચોરી કરીને લઈ ગયો હતો. જેલ સિપાહી નવીન ચૌધરીએ આ અંગે લેખિતમાં અરજી કરતાં સમગ્ર ચોરીની ઘટનાની જાણ જનક જોશીને થઈ હતી. ત્યારબાદ તપાસ કરતાં 114 બેટરીઓ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

અજાણ્યા શખસો સામે ફરિયાદ ચોરાયેલી બેટરીઓની કિંમત આશરે 1.42 લાખ રૂપિયા થાય છે. સરકારી કર્મચારીઓના રહેણાક ક્વોટર્સમાં જ આટલી મોટી સંખ્યામાં બેટરીઓની ચોરી થતાં પોલીસ તપાસ શરૂ થઈ છે. રાણીપ પોલીસે ફરિયાદના આધારે ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.