ચાંદખેડાના વ્રજ ટેનામેન્ટમાં રહેતા નિવૃત પોલીસકર્મી પર તેમના જ પુત્રએ હુમલો કર્યો હતો. વર્ષ 2020માં અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ASI તરીકે નિવૃત થયેલા ગણપત પરમાર પર તેમના પુત્ર કૌશલ પરમારે સ્ટમ્પથી હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસની હાજરીમાં જ પિતાના માથામાં બ્લોક મારી દીધો હતો. કૌશલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય પારિવારિક ઝઘડામાં શરૂ થયેલી તકરાર હિંસક બની જતાં પરિવારના સભ્યો પણ હુમલાનો ભોગ બન્યા હતા. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફોન પર ગાળો આપી, ઘરે આવ્યા તો હુમલો કર્યો ગણપત પરમાર કોઈ કામથી બહાર ગયા હતા ત્યારે પુત્ર કૌશલનો ફોન આવ્યો હતો. ફોન પર કૌશલે પિતાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ગણપત પરમાર ઘરે પરત ફર્યાં ત્યારે કૌશલ તેમને જોઈને ઉશ્કેરાઈ ગયો હતો. તેણે આવતાની સાથે જ સ્ટમ્પ ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો હતો. પુત્રના હુમલાથી બચવા ગણપત પરમાર ઘર બહાર ભાગ્યા હતા. જોકે, કૌશલનો ગુસ્સો માત્ર પિતા પૂરતો સીમિત રહ્યો ન હતો. તેણે પોતાની માતા અને બે બહેનોને પણ માર માર્યો હતો.
પોલીસની હાજરીમાં પુત્રએ પિતાને બ્લોક માર્યો પરિવારમાં મારામારી અને બૂમાબૂમ થતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસને જોઈને કૌશલ વધુ ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસની હાજરીમાં જ તેણે બ્લોક ઉચકીને પિતા ગણપત પરમારના માથામાં મારી દીધો હતો. નિવૃત પોલીસકર્મી પિતા પર પુત્રના આ હુમલાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.બનાવ અંગે ચાંદખેડા પોલીસે કૌશલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

