વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી એક 16 વર્ષીય કિશોર ઘરેથી 55 હજાર રૂપિયા લઈને રહસ્યમય રીતે ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. સગીરની માતાએ આ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
તિજોરીમાંથી ₹55 હજાર ગાયબ પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણનગર નવીનગરીમાં રહેતા રાજકુમારીબહેન ગજેરા ફતેગંજની એક હોટલમાં રસોઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 9 મેના રોજ તેઓ કામ પર ગયા હતા ત્યારે તેમનો ધોરણ-9માં ભણતો પુત્ર રોહન ઘરે એકલો હતો. રાત્રે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે પુત્ર ઘરે જોવા મળ્યો ન હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, તિજોરીમાં રાખેલા રૂ. 70 હજારમાંથી રૂ. 55 હજાર ગાયબ હતા અને પુત્રનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
મિત્રને કહ્યું-‘મુંબઈ કપડાં લેવા જાઉં છું’ પુત્રની શોધખોળ દરમિયાન માતાને તેના મિત્ર નિકુલ રાજપૂત પાસેથી મહત્વની કડી મળી હતી. નિકુલે જણાવ્યું હતું કે, રોહન સવારે એક નાની બેગ સાથે તેને મળ્યો હતો અને કહ્યું હતું કે, “હું કપડાં લેવા માટે મુંબઈ જાઉં છું અને એક અઠવાડિયામાં પરત આવી જઈશ.” રોહને નિકુલને વિનંતી કરી હતી કે તેને છાયાપુરી રેલવે સ્ટેશન સુધી મૂકી જાય, જેથી નિકુલ તેને બાઈક પર સ્ટેશન મૂકી આવ્યો હતો.
નવું સીમકાર્ડ લઈ સગીર ફરાર તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, રોહને એક મિત્ર પાસેથી જિયો કંપનીનું નવું સીમકાર્ડ પણ મેળવ્યું હતું, પરંતુ તે નંબર પર સંપર્ક સાધતા ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો છે. પરિવારજનોએ સયાજીગંજ રેલવે સ્ટેશન, સેન્ટ્રલ બસ ડેપો અને તમામ સગાસંબંધીઓના ઘરે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.

