પર્યાવરણ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનમાં સુરત મહાનગરપાલિકાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના AMRUT 2.0 મિશન અંતર્ગત શરૂ કરાયેલા ‘જલ હિ અમૃત’ અભિયાનના ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં સુરત મનપાના ડ્રેનેજ વિભાગે અદભુત સફળતા પ્રાપ્ત કરી છે.
કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિણામો મુજબ, સુરતના 17 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs) એ પોતાની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરીના બદલામાં કેન્દ્ર સરકાર દ્વારા સુરતને વધુ 27.23 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ નવી ગ્રાન્ટ સાથે સુરત મનપાને અત્યાર સુધીમાં મળેલી કુલ પ્રોત્સાહન રકમનો આંકડો 100.55 કરોડ પર પહોંચી ગયો છે.
19 STPsને સર્વોચ્ચ 5-સ્ટાર રેટિંગ મળ્યું સુરત મહાનગરપાલિકા પાણીના પુનઃઉપયોગ અને ગંદા પાણીના શુદ્ધિકરણમાં વર્ષોથી દેશભરમાં મોખરે રહી છે. જલ હિ અમૃત અભિયાનના પ્રથમ અને દ્વિતીય તબક્કાના મૂલ્યાંકન દરમિયાન મનપાના કુલ 20 પ્લાન્ટ્સમાંથી 19 STPsને સર્વોચ્ચ 5-સ્ટાર રેટિંગ અને 1 STPને 4-સ્ટાર ક્લીન વોટર ક્રેડિટ રેટિંગ મળ્યું હતું.
આ અસાધારણ દેખાવને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે ફાળવવામાં આવેલી કુલ 114.63 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટમાંથી સિંહફાળો એટલે કે 73.33 કરોડ એકલા સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા હતા. આ રકમ મનપાના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને તકનીકી સક્ષમતા પર મહોર સમાન હતી.
ત્રીજા તબક્કામાં પણ દબદબો કાયમ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઓન-ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન અને પરિણામોના આધારે ત્રીજા તબક્કાનું મૂલ્યાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ ફેઝમાં પણ સુરતના 17 STPsએ પાણીના શુદ્ધિકરણના કડક માપદંડો, પર્યાવરણીય નિયમો અને સંચાલનની ગુણવત્તા જાળવી રાખીને બીજા હપ્તાના પ્રોત્સાહન માટે પાત્રતા મેળવી લીધી છે. ત્રીજા તબક્કા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્ય માટે 32.53 કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટ મંજૂર થઈ હતી, જેમાંથી 27.23 કરોડની રકમ સુરત મનપાના ફાળે આવી છે.
આમ, રાજ્યના કુલ પ્રોત્સાહનમાં 83 ટકાથી વધુ હિસ્સો મેળવીને સુરતે સાબિત કર્યું છે કે શહેરી સુએઝ વ્યવસ્થાપનમાં તેનો કોઈ જોટો નથી. અગાઉના 73.33 કરોડ અને વર્તમાન તબક્કાના 27.23 કરોડ મળીને સુરત મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં કુલ 100.55 કરોડની પ્રોત્સાહક રકમ એવોર્ડ સ્વરૂપે પ્રાપ્ત થઈ ચૂકી છે.

