અમદાવાદ શહેરમાં ડિજિટલ અરેસ્ટના વધતા બનાવો વચ્ચે સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસે વધુ એક મહત્વપૂર્ણ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડી સિનિયર સિટિઝનને લાખો રૂપિયાની સાયબર છેતરપિંડીનો ભોગ બનતા બચાવ્યો છે. ઠગોએ પોતાને મુંબઈ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવી વૃદ્ધને એટલા ભયભીત કરી દીધા હતા કે તેઓ ઓફિસમાંથી કોઈને જાણ કર્યા વગર સીધા ઘરે પહોંચી ગયા હતાં અને કલાકો સુધી વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા. જોકે સમયસર પોલીસ પહોંચી જતા વૃદ્ધને બચાવ્યા હતા.
વીડિયો કોલ કરી પોલીસ અધિકારીની ઓળખ આપી મળતી માહિતી મુજબ, થલતેજની વિશાલ શિપિંગ એજન્સીમાં કાર્યરત એક સિનિયર સિટિઝનને 20 જૂનના રોજ સવારે લગભગ 11 વાગ્યે વ્હોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને મુંબઈ ફોર્ટ પોલીસ સ્ટેશનનો અધિકારી ગણાવી જણાવ્યું કે, તેમના મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ ગંભીર આર્થિક ગુનામાં થયો છે. ત્યારબાદ કોલ ક્રાઈમ બ્રાન્ચ અને સીબીઆઈના અધિકારીઓને ટ્રાન્સફર કરવાના બહાને અન્ય લોકો સાથે જોડવામાં આવ્યો હતો.
ઠગોએ વૃદ્ધનો આધાર નંબર મેળવી તેમના નામે ખુલેલા કથિત બેંક એકાઉન્ટની વિગતો, ડેબિટ કાર્ડના ફોટા અને નરેશ ગોયલ-જેટ એરવેઝ કૌભાંડ સાથે જોડાયેલા બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા. વૃદ્ધને જણાવાયું હતું કે, તેમના વિરુદ્ધ ગંભીર તપાસ ચાલી રહી છે અને તેમને તાત્કાલિક ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે.
ઠગોએ વૃદ્ધને ઓફિસ છોડીને સીધા ઘરે જવાની સૂચના આપી હતી. સાથે જ વીડિયો કોલ બંધ નહીં કરવા, કોઈ પરિવારજનો કે સહકર્મચારીને જાણ નહીં કરવાની અને ફોન સતત ચાલુ રાખવાની કડક ચેતવણી આપી હતી. જો વાત બહાર જશે તો તરત જ જેલમાં મોકલી દેવામાં આવશે, તેવી ધમકી પણ આપવામાં આવી હતી.

