ધંધુકા-રોજકા રોડ પર એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત આજે ધંધુકા-રોજકા હાઇવે પર બન્યો હતો.
મળતી માહિતી મુજબ, એક ફોર વ્હીલર ગાડી ધંધુકાથી રોજકા રોડ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ગાડીના બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળતો ડ્રાઇવરના ધ્યાને આવ્યો હતો. ચાલક કંઈ સમજે તે પહેલાં જ એન્જિનના ભાગમાંથી આગની લપેટો બહાર આવવા લાગી હતી.

ખતરો પારખી ગયેલા ડ્રાઇવરે સહેજ પણ સમય ગુમાવ્યા વિના ગાડીને રોડની સાઇડમાં ઊભી રાખી દીધી હતી. તેમણે ત્વરિત નિર્ણય લઈને કારનો દરવાજો ખોલી બહાર કૂદકો મારી દીધો હતો. ડ્રાઇવર બહાર નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
હાઇવે પર કારને સળગતી જોઈને અન્ય વાહનચાલકો પણ પોતાના વાહનો થંભાવીને દૂર ઊભા રહી ગયા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

