Gujarat

આઈટી એન્જિનિયરિંગના 19 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, વિધવા માતા-બહેન આઘાતમાં ગરકાવ

પાટનગર ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં રહેતા આશરે 19 વર્ષીય આશાસ્પદ આઈટી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ અકળ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારનો એકમાત્ર સહારો એવા જુવાનજોધ દીકરાના આપઘાતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે સેક્ટર-૨૧ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અભ્યાસ માટે છ મહિના પહેલા જ ગાંધીનગર આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની અને હાલમાં સેક્ટર-24ના પીળા પટ્ટા તરીકે ઓળખાતા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હર્ષ ભરતભાઈ સુતરીયા (ઉંમર 19 વર્ષ) એ ગુરુવારે મોડી સાંજે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

હર્ષના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું હોવાથી ઘરની તમામ વહીવટી જવાબદારીઓ અને ભવિષ્યની મોટી આશાઓ આ યુવાન પર જ ટકેલી હતી. હર્ષ ગાંધીનગર ખાતે આઈટી એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કરતો હોવાથી, તેને આર્થિક અને સામાજિક ટેકો આપવા માટે તેની માતા અને બહેન છેલ્લા છ મહિનાથી સાબરકાંઠાથી અહીં તેની સાથે ભાડે રહેવા માટે આવ્યા હતા.

બજારમાંથી પરત ફરેલા પરિવારે દરવાજો તોડ્યો ગુરુવારે સાંજના સમયે હર્ષની માતા અને બહેન ઘરનો જરૂરી સામાન તેમજ શાકભાજી લેવા માટે નજીકના માર્કેટમાં ગયા હતા અને ઘરમાં હર્ષ એકલો જ હતો. થોડા સમય બાદ જ્યારે માતા-બહેન બજારમાંથી પરત ફર્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો.

તેમણે હર્ષને મોબાઈલ પર ફોન કર્યા અને દરવાજો પણ ઘણી વાર ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા બંને ગભરાઈ ગયા હતા. કોઈ અજૂગતું બન્યું હોવાની આશંકાએ તેમણે આસપાસના પડોશીઓને એકઠા કર્યા હતા અને પડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.