સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનને એક સફળતા હાથ લાગી છે.
વર્ષ 1992માં નોંધાયેલા લૂંટ અને ધાડના એક ગંભીર ગુનામાં છેલ્લા 33 વર્ષથી કાયદાના સકંજાથી દૂર ભાગતા મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સીઆરપીસીની કલમ 70 મુજબ ઈશ્યુ થયેલા આટલા વર્ષો જૂના પકડવાના વોરન્ટની બજવણી કરીને પોલીસે સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, કાયદાના હાથ લાંબા જ હોય છે.
અમદાવાદથી ઝડપાયો મુખ્ય આરોપી તામજી ઠાકોર સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1992માં થયેલી લૂંટ-ધાડના ગુનામાં તામજી તરસનજી ઠાકોર (ઉંમર વર્ષ 60) લાંબા સમયથી ફરાર હતો. સુરત પોલીસની ટીમને ચોક્કસ હ્યુમન સોર્સ દ્વારા અત્યંત સચોટ માહિતી મળી હતી કે, આ આરોપી હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. બાતમી મળતાની સાથે જ સુરત પોલીસની એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી અને ત્યાં વોચ ગોઠવીને આરોપી તામજી ઠાકોરને દબોચી લીધો હતો.
ઓળખ છુપાવીને કરતો હતો છૂટક મજૂરી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી તામજી ઠાકોર છેલ્લા 33 વર્ષથી ધરપકડથી બચવા માટે સતત પોતાના રહેઠાણ અને લોકેશન બદલતો રહેતો હતો.
હાલમાં તે અમદાવાદમાં ખૂબ જ સામાન્ય નાગરિકની જેમ નાની-મોટી છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો જેથી કોઈને તેના ગુનાહિત ભૂતકાળ અંગે શંકા ન જાય. ફેસ રેકગ્નિશન અને આટલા વર્ષો જૂના એડ્રેસ બદલાવા છતાં, સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના જોરે તેને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

