સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. હવે રિંગરોડ ફ્લાયઓવર પર પિલ્લર વચ્ચે પિયર કેપનું અત્યંત મહત્વનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને આગામી 62 દિવસ માટે હંગામી ટ્રાફિક ડાયવર્ઝન અમલી બનાવ્યું છે. આ સમયગાળા દરમિયાન માનદરવાજા-સહારા દરવાજા અને રેલવે સ્ટેશન તરફના કેટલાક મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારે વાહનો માટે ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટની વિગત જાહેરનામા મુજબ, માનદરવાજા રિંગરોડ ઓવરબ્રિજ થઈ સહારા દરવાજા અને સ્ટેશન તરફ જતો માર્ગ ભારે વાહનો માટે સંપૂર્ણ બંધ રહેશે. આવા વાહનોએ ફ્લાયઓવરની નીચે આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત સહારા દરવાજાથી માનદરવાજા અને બોમ્બે માર્કેટથી માનદરવાજા તરફ જતાં ભારે વાહનોને પણ વૈકલ્પિક માર્ગ અપનાવવાનો રહેશે.
બોમ્બે માર્કેટ અને કડોદરા તરફથી આવતા ભારે વાહનો માટે પરવત પાટિયા બ્રિજ નીચે, કેશવનગર (કબૂતર સર્કલ), આંજણા ફાર્મ બ્રિજ, કિન્નરી સિનેમા અને અન્ય વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક વાહનો ભાઠેના ઓવરબ્રિજ અને રોકડિયા હનુમાન પાંચ રસ્તા થઈને ઉધના દરવાજા તરફ જઈ શકશે.
રાત્રે નાનાં વાહનો (કાર અને ટૂ-વ્હીલર) માટે પણ નો-એન્ટ્રી જાહેરનામામાં કરાયેલી સ્પષ્ટતા મુજબ, ફાલસાવાડીથી માનદરવાજા તરફ જતો ઓવરબ્રિજ કાર, અન્ય હળવા વાહનો અને ટુ-વ્હીલર માટે સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ ઓવરબ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. આ સમય દરમિયાન મોડી રાત્રે નીકળતા વાહનચાલકોએ ફ્લાયઓવરની નીચેના માર્ગનો ઉપયોગ કરવો પડશે.
આ વાહનોને મળશે મુક્તિ
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, પોલીસ ગાડીઓ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સુરત મહાનગરપાલિકાના આવશ્યક સેવાના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા તમામ સુરતીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ડાયવર્ઝન નોંધી લે અને સૂચિત વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરે જેથી ટ્રાફિક જામની સમસ્યા ન થાય. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

