જામનગર શહેરની સીટી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં બજરંગવાડી નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પ્રા.લિ.ના ગોડાઉનમાં માલસામાનનાં પાર્સલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ગોહિલ અને સ્ટાફે ટ્રાન્સપોર્ટના મેનેજરનો સંપર્ક કરી ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી.

50 જેટલાં પાર્સલમાંથી 2,150 બોટલો મળી પોલીસે ગોડાઉનમાં રાખેલાં અલગ અલગ સાઇઝનાં પાર્સલોની તપાસ કરતાં અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આશરે 50 જેટલાં પાર્સલમાંથી 180 મીલીની કુલ 2,150 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો સહિત કુલ રૂ. 6,20,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સીમરન એન્ટરપ્રાઇઝના નામે મોકલાયો હતો જથ્થો વધુ તપાસમાં દારૂનો આ જથ્થો સીમરન એન્ટરપ્રાઇઝના નામે મોકલવામાં આવ્યો હોવાનું અને યુવરાજ એન્ટરપ્રાઇઝ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ટ્રાન્સપોર્ટના મેનેજરની પૂછપરછ દરમિયાન માલની ડિલિવરીને લઈને પણ શંકાસ્પદ વિગતો મળી હતી. ફરિયાદમાં માલ મોકલનાર અને મંગાવનાર પક્ષે કંપનીનાં નામ, GST નંબર સહિતની વિગતોનો ઉપયોગ કરીને પાર્સલ મોકલાવ્યાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

