Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડીટોરિયમ હોલના લોકાર્પણ સ્થળેથી 272.26 કરોડના વિકાસકામોને લીલીઝંડી આપશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે રાજકોટ આવવાના છે ત્યારે તેમના હસ્તે 272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના.252.16 કરોડના કામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20.10 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં રાજકોટના બીજા સૌથી મોટા ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી ખુદ અહીં પધારી રહ્યા છે અહીં આ ઓડિટોરિયમની કેપેસિટી 934 સીટની છે.

રાજકોટ વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તારીખ 2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ પધારવાના છે. તેમનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત ઓડિટોરિયમ હોલમાં છે. જ્યાંથી રાજકોટ શહેરના કુલ રૂ.272,26,57,000 ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.98.12 કરોડના 13 કામોના લોકાર્પણ થશે. આ ઉપરાંત રૂ.154.04 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ઓડિટોરિયમ હોલ માં જે કાર્યક્રમ થવાનો છે તે રાજકોટનો બીજો સૌથી મોટો ઓડિટોરિયમ હોલ બનવા જઈ રહ્યો છે. જે રૂ.11.91 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે જેની સીટિંગ કેપેસિટી 934 છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તૈયાર થયેલી નવનિયુક્ત ન્યૂ લાઇબ્રેરી બિલ્ડીંગનું આખરે લોકાર્પણ થશે. જે રૂ.7.71 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે.

આ લાઇબ્રેરીમાં આગ બુઝાવવાના સાધનો અને ફાયર NOC ન હોવાથી લોકાર્પણ થઈ શક્યું ન હતું અને તેથી વિદ્યાર્થીઓ માટે પણ આ લાઇબ્રેરી કામ આવી રહી ન હતી પરંતુ, હવે જ્યારે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. આ સિવાય અહીંના હેલ્થ સેન્ટરનું રૂ.68.57 લાખના ખર્ચે લોકાર્પણ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ 20,10,57,000ના વિકાસ કામોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત થોરાળા ગામના 67 ખેડૂતોને 7-12ના દાખલા આપવામાં આવશે.