અમરેલી લોકેશનની 108 ટીમને તા. 28/07/2026 ના રોજ રાત્રે 10:35 કલાકે સાંગાડેરી ગામના વાડી વિસ્તારમાં પ્રસૂતિનો કોલ મળતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રસૂતાને સારવાર માટે જનરલ સિવિલ હોસ્પિટલ, અમરેલી ખાતે લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવી હતી.
દરમિયાન સાંગાડેરી ગામથી અમરેલી તરફના રસ્તામાં જ પ્રસૂતાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. 108ના EMT સાગરભાઈ મકવાણા અને પાયલોટ યોગેશભાઈએ પોતાના અનુભવ અને સૂઝબૂઝથી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.
ડિલિવરી બાદ બાળકની ગર્ભનાળ ગળામાં વિંટળાયેલી હોવાનું જણાયું હતું. EMT સાગર ભાઈ મકવાણા ની સમયસૂચકતા અને સૂઝબૂઝથી ગર્ભનાળને ગળામાંથી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને ઓક્સિજન દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
108ની ટીમની સમયસરની કામગીરી અને તબીબી કુશળતાથી માતા તથા બાળક બંનેના જીવ બચાવી તેમને વધુ સારવાર માટે જનરલ સિવિલ હોસ્પિટલ, અમરેલી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં ફરી એકવાર 108 એમ્બ્યુલન્સ સેવા લોકો માટે જીવાદોરી સમાન સાબિત થઈ છે. આ ઉત્કૃષ્ટ અને માનવતાભર્યા કાર્ય બદલ દર્દીના પરિવારજનોએ 108ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: વિપુલ મકવાણા, અમરેલી

