વડોદરા શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૨૭ વર્ષના પરિણીત યુવકના પ્રેમમાં અંધ બનેલી 18 વર્ષની યુવતીએ પરિવાર સાથે લગ્નની જીદ પકડી હતી પરંતુ, પરિવારે અસંમતિ દર્શાવતાં યુવતી ઘર છોડીને ભાગી નીકળી હતી. જોકે, રાત્રિના સમયે ન્યાય મંદિર વિસ્તારમાં એકલી બેઠેલી યુવતી પર જાગૃત નાગરિકની નજર પડતાં 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇનની ટીમે સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સિલિંગ કરી તેને સહી-સલામત પરિવાર સાથે મેળવી આપી હતી.
જાગૃત નાગરિકની સમયસૂચકતા અને 181ની તાત્કાલિક કામગીરી આ બનાવની વિગત અનુસાર, વડોદરાના ન્યાય મંદિર વિસ્તાર પાસે એક 18 વર્ષની યુવતી એકલી અને અસહાય હાલતમાં બેઠેલી જોવા મળતાં એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરી હતી. કોલ મળતાં જ બાપોદ લોકેશન પરથી અભયમની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને તપાસ કરતાં યુવતી એક રિક્ષામાં બેસેલી મળી આવી હતી.
પરિણીત પ્રેમી સાથે લગ્નની જીદ છોડીને કરિયર પર ધ્યાન આપવા કાઉન્સિલિંગ અભયમની ટીમે યુવતીનું કાઉન્સિલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તેને 27 વર્ષના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો છે. યુવક પરિણીત હોવાથી તેના માતા-પિતા આ લગ્ન માટે તૈયાર ન હતા.
જેથી તે પોતાના પ્રેમી સાથે જ લગ્ન કરવાની જીદ પકડીને ઘરેથી નીકળી ગઈ હતી. 181ની ટીમે ગંભીરતાથી યુવતીને સમજાવી હતી કે, “હાલ તમારી ઉંમર અભ્યાસ કરવાની અને કરિયર બનાવવાની છે. યોગ્ય સમયે માતા-પિતા તમારી પસંદગી અને ઉંમર મુજબ યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવશે.” અભયમની ટીમની યોગ્ય સમજાવટ બાદ યુવતીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તે ઘરે પરત ફરવા તૈયાર થઈ હતી.

