રાજકોટમાં માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે. પોલીસે 18.77 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે અન્ય બનાવવામાં શહેરના કુબલીયાપરામાં “સામું કેમ જુઓ છો” તેમ કહી યુવાન પર 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટના બેડીપરા ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે એસઓજીની ટીમે બાતમીના આધારે કારને રોકીને તપાસ કરતા કારમાં સવાર મૂળ વેરાવળના અને હાલ રાજકોટ રહેતા મૌલિક અશોકભાઈ જેઠવા અને ગૌરાંગ અશોકભાઈ પરડવા નામના બે શખ્સો પાસેથી રૂ.53,310 ની કિંમતનું 18.77 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. 6,66,940 નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પૂછતાછમાં આ જથ્થો અમદાવાદથી લાવ્યા હોવાનું અને અહીં છૂટકમાં વેચાણ કરવાના હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી મૌલિક અસલ અગાઉ પણ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલો હતો અને દોઢેક મહિના પહેલા જ જેલમુક્ત થયો હતો.
રાજકોટના કુબલીયાપરામાં “સામું કેમ જુઓ છો” તેવા સામાન્ય પ્રશ્ને ઉશ્કેરાઈને પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ એક યુવાન પર છરી અને તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આજીડેમ ચોકડી પાસે રહેતા મનીષ ઉર્ફે મનીયો રાઠોડ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ મહેશ જીતુ સોલંકી, તેના પુત્ર ટકો અને તેના મામા કૃણાલ ઉર્ફે પબ્બો દેવીપૂજકે ઝઘડો કરી છરીના અને તલવારના ઘા ઝીંકી દીધા હતા. યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી મહેશ સોલંકીની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

