વડોદરા ગ્રામ્યમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ચાણોદ, SOG, કરજણ અને વરણામા પોલીસ યુનિટ દ્વારા ગાંજાના ચાર અલગ-અલગ કેસ નોંધી કુલ 6 કિલો 256 ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરેલા ગાંજાની અંદાજિત કિંમત રૂ.3.58 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન ગાંજાના ચાર અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.
- પ્રથમ કેસમાં ચાણોદ પોલીસ દ્વારા ધર્મેશકુમાર ઉર્ફે ડીબી ભીખાભાઈ મિસ્ત્રી પાસેથી આશરે 28.930 ગ્રામ ગાંજો , મોબાઈલ , રોકડ મળી કુલ રૂ. 5946 જેટલો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
- બીજા કેસમાં કરજણ પોલીસ સ્ટેશનના પાર્ટ-બી ગુનામાં SOG દ્વારા મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો નાનસિંહ જારિયા 1.980 કિગ્રા ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની કિંમત અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1,29,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
- ત્રીજા કેસમાં કરજણ પોલીસ દ્વારા કાલુભાઈ વલીમહમદ પઠાણ પાસેથી 2 કિલો 10 ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની કિંમત અને મોબાઇલ સહિત કુલ રૂ. 1,10,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
- જ્યારે ચોથા કેસમાં વરણામા પોલીસ દ્વારા જયંતિલાલ અંબાલાલ વસાવા પાસેથી 2 કિલો 10 ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 1,11,900 છે. તમામ મુદ્દામાલ મળી ગાંજો કુલ 6.256 કિલો ગ્રામ જેની કુલ કિંમત 3.58 લાખ રૂપિયા થાય છે.

