ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર અને પાલીતાણાના સિંધી કેમ્પ ખાતેથી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા કુલ 5 શખસોને રંગેહાથ ઝડપી લીધા છે. બોરતળાવ પોલીસ અને પાલીતાણા ટાઉન પોલીસે હાથ ધરેલી આ કામગીરી દરમિયાન બંને સ્થળો પરથી કુલ રૂ. 9,200ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુંભારવાડા અક્ષરપાર્કમાંથી તીનપત્તી રમતા 2 ઝડપાયા ભાવનગર બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે મળેલી બાતમીના આધારે કુંભારવાડા અક્ષરપાર્કમાં ખારીયા હનુમાન ઇંટોના ભઠ્ઠા પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાં તીનપત્તીનો જુગાર રમતા શૈલેષ રણછોડભાઈ બારૈયા (ઉં.વ. 27) અને યોગેશ ધનજીભાઈ ચૌહાણ (ઉં.વ. 23)ને રંગેહાથ ઝડપી લેવાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 6,000ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
પાલીતાણા સિંધી કેમ્પમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા 3 ઝબ્બે બીજી તરફ, પાલીતાણા ટાઉન પોલીસે ગારીયાધાર રોડ પર આવેલા સિંધી કેમ્પમાં નવદુર્ગા નાસ્તા હાઉસના ઓટલા પર દરોડો પાડ્યો હતો. જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ઘોડીપાસા વડે જુગાર રમતા નાનક મેઘરાજ ટોપવાણી, અજય ગંગારામ રૂપેજા અને રાકેશ મોહનભાઇ ધનવાણીને ઝડપી લેવાયા હતા. પોલીસે તેમના કબજામાંથી રૂ. 3,200ની રોકડ અને ઘોડીપાસાની કુકરીઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

