Gujarat

774 જગ્યાના વિવાદમાં 555 પાસ ઉમેદવારો અટવાયા

ગુજરાતમાં ધોરણ 1થી 5ના 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં 774 જગ્યાઓ કોર્ટ કેસને કારણે પેન્ડિંગ રાખવામાં આવતાં TET-1 પાસ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે બુધવારે અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોએ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી.

ઉમેદવારોના જણાવ્યા મુજબ, આ 774 જગ્યાઓના વિવાદને કારણે મેરિટમાં સ્થાન મેળવનારા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરાવનારા 555 લાયક ઉમેદવારો નિમણૂકથી વંચિત રહી ગયા છે.

ઉમેદવારોએ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. સાથે જ કોર્ટમાં ચાલી રહેલા કેસને અસર કર્યા વિના વચગાળાનો રસ્તો કાઢીને પાસ થયેલા ઉમેદવારોને શાળા પસંદગી અને નિમણૂક પત્ર આપવાની માગ કરી છે.

શિક્ષણમંત્રીના અંગત સચિવ સાથે મુલાકાત, હકારાત્મક પ્રતિસાદ મળ્યાનો દાવો વિદ્યાસહાયક ભરતીના ઉમેદવાર રાજ ચાવડાએ જણાવ્યું હતું કે, 11 હજારની ભરતીમાં 774 જગ્યાઓ પેન્ડિંગ રહેતાં પાસ થયેલા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે.

આ મુદ્દે અમે અલગ-અલગ જિલ્લાઓમાંથી એકત્રિત થઈ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા આવ્યા હતા. આજે અમે શિક્ષણમંત્રીના અંગત સચિવ અંકુરભાઈ ઉપાધ્યાયને મળ્યા હતા.

શિક્ષણમંત્રી હાજર ન હોવાથી તેમની સાથે અમારી વાતચીત થઈ હતી. તેમણે આગામી સમયમાં આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે પૂરતા પ્રયાસો કરવાની હકારાત્મક ખાતરી આપી હોવાનું રાજ ચાવડાએ જણાવ્યું હતું.