શહેરના મામાકોઠા રોડ વિસ્તારમાં ફરસાણનો વ્યવસાય કરતા વેપારીને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી ઊંચો નફો અને બોનસ આપવાની લાલચ આપી રૂ.2,48,900 ની સાયબર છેતરપિંડી આચરવામાં આવી આવી છે આ મામલે ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મામાકોઠા રોડ પર રહેતા અને “જય જગદીશ” નામની ફરસાણની દુકાન ચલાવતા 40 વર્ષીય નિખિલ કિર્તીકુમાર મહેતાને ગત તા.19 ઓક્ટોબરના સાંજે વોટ્સઅપ પર અમિતકુમાર નામના વ્યક્તિનો મેસેજ મળ્યો હતો. આ શખ્સે ‘XTB FOREX’ કંપની સરનામું અંધેરી ઈસ્ટ, મુંબઈ દર્શાવેલ મારફતે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો નફો અને બોનસ મળશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો, ત્યારબાદ વેપારીના દસ્તાવેજો મેળવી કંપનીની વેબસાઈટ પર ડિમેટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું.
શરૂઆતમાં તા.19 ઓક્ટોબરના રોજ રૂ.1000 જમા કરાવ્યા બાદ ડોલરમાં નફાના સ્ક્રીનશોટ બતાવી વધુ રકમ રોકવા લલચાવાયા હતા. ત્યારબાદ કંપનીના મેનેજર રાજેશ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ ફોન કરી રૂ.5 લાખના રોકાણ સામે રૂ.5 લાખ બોનસની વાત કરી હતી અને બાદમાં રૂ.10 લાખનું બોનસ દર્શાવી તે ઉપાડવા માટે રૂ.2 લાખ જમા કરાવવાની માંગ કરી હતી. પૈસા જમા ન થાય તો 2000 ડોલરની પેનલ્ટી લાગશે તેવી ધમકી પણ અપાઈ હતી.

