Gujarat

‘ઓપરેશન હેલ્થ’ હેઠળ હાઈવેની 175 હોટેલોના રસોડામાં ગંદકી હોવાથી નોટિસ

રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આરોગ્ય વિભાગે ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો અને હાઈવે પરની હોટેલો સહિત કુલ 1,477 સ્થળોએ તપાસ કરવામાં આવી છે. જેમાં હાઈવે પરની 175 હોટેલોમાં રસોડાની ગંદકી અને અસ્વચ્છતાની ગંભીર ખામીઓ સામે આવી છે. આ તમામ હોટેલોને નોટિસ ફટકારવામાં આવી છે.

691 હોટેલોમાં તપાસ, 14માંથી શંકાસ્પદ ખોરાક મળ્યો આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી કુલ 691 હોટેલોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 175 હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. નોટિસ મળ્યા બાદ આ હોટેલોના સંચાલકોએ સ્વયંભૂ હોટેલો બંધ રાખીને સફાઈ અને જરૂરી સુધારા કર્યા હતા.

બીજી તરફ, સંતોષકારક સ્થિતિ ધરાવતી 516 હોટેલોને પણ ફૂડ સેફ્ટીના નિયમોનું વધુ સારી રીતે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને તેના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

રિપોર્ટ ફેલ થશે તો કોર્ટ કેસ, હોટેલ સીલ પણ થઈ શકે લેબોરેટરીના પરીક્ષણમાં ખાદ્યપદાર્થોના નમૂના નિષ્ફળ જશે અથવા ગંભીર ખામી જણાશે તો સંબંધિત હોટેલ સંચાલકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. એટલું જ નહીં, જરૂર પડ્યે હોટેલ કે એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી છે.