સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં ‘રાધે સિલ્વર પાર્ક’ કૉમ્પ્લેક્સમાં મોડી રાત્રે તસ્કરોએ એકસાથે સાત દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરો દુકાનોના તાળા તોડી રોકડ અને અન્ય સામાન ચોરી ફરાર થયા હતા.
ચોરાયેલી દુકાનોમાં મેડિકલ સ્ટોર, ચાની દુકાન, ફૂટવેર, મોબાઇલ રિપેરિંગ અને કરિયાણાની દુકાનોનો સમાવેશ થાય છે. તસ્કરોએ આ દુકાનોમાંથી રોકડ રકમ તેમજ સિગારેટ સહિતનો કિંમતી સામાન ચોરી લીધો હતો. ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

