સુરત મહાનગરપાલિકાની શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના નાણાકીય આયોજન અને વહીવટને સ્પર્શતા ત્રણ મહત્વના નિર્ણયો લેવાશે. જેમાં પાલિકાને કચ્છના વિન્ડ પાવર પ્લાન્ટમાંથી તમામ ખર્ચ બાદ કરતાં 31.51 કરોડનો ચોખ્ખો નફો થતાં તેનો આગામી 10 વર્ષનો નવો ઓપરેશન કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની દરખાસ્ત છે.
બીજી તરફ ખજોદ ખાતે 15 લાખ મેટ્રિક ટન ઘનકચરાના નિકાલ માટે પાલિકાના અંદાજ કરતાં 31.86 ટકા નીચા ભાવનું 158.89 કરોડનું લોએસ્ટ ટેન્ડર મંજૂરી અર્થે આવ્યું છે. જ્યારે દેશ-રાજ્યમાં વીજ અછતની ચર્ચા વચ્ચે પાલિકા દિવાળીની 4 દિવસની રોશની પાછળ પ્રજાના ટેક્સના 72.40 લાખ ખર્ચવાની તૈયારીમાં છે.
સુઝલોનને 25.89 કરોડનો નવો કોન્ટ્રાક્ટ અપાશે પાણી પુરવઠા અને સુએઝ ડિસ્પોઝલના તોતિંગ વીજ બિલ ઘટાડવા પાલિકાએ વર્ષ 2010થી પવન ઊર્જા અપનાવવાનું શરૂ કર્યું હતું, જે હવે તિજોરી માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
જૂન-2016માં કચ્છના નખત્રાણા ખાતે શરૂ થયેલા 12.6 મેગાવોટના વિન્ડ પાવર પ્લાન્ટે મૂડીરોકાણ, વ્યાજ અને મેન્ટેનન્સનો તમામ ખર્ચ સરભર કર્યા પછી પણ મે-2026 સુધીમાં પાલિકાને 31.51 કરોડનો ચોખ્ખો નફો અપાવ્યો છે. પ્રથમ 10 વર્ષનો કોન્ટ્રાક્ટ 31 ઓગસ્ટ-2026ના રોજ પૂર્ણ થતો હોવાથી, આગામી 10 વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે સુઝલોન કંપનીને 25.89 કરોડનો નવો કોન્ટ્રાક્ટ સોંપવાની દરખાસ્ત સમિતિ સમક્ષ મુકાઈ છે.

