Gujarat

એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી અમરાઈવાડી અને મણિનગર વિસ્તારનો 10 કિમીનો સર્ક્યુલર રૂટ, દર 40-45 મિનિટે બસ મળશે

અમદાવાદમાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ લોકો વધુ કરે અને મેટ્રો સ્ટેશનથી લોકોને વિવિધ જગ્યાઓએ જવા માટે સરળતા રહે તેના માટે AMTSએ પૂર્વ વિસ્તારમાં એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી અમરાઈવાડી, હાટકેશ્વર, મણીનગર, ખોખરા થઈને પરત એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની ફીડર બસ રૂટ-8 (સર્ક્યુલર) અને ફીડર રૂટ-9 (એન્ટી સર્ક્યુલર) શરૂ કર્યો છે. મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના નેતાઓએ લીલી ઝંડી બતાવી નવા AMTS બસ રૂટની શરૂઆત કરાવી હતી.

પુખ્ત વયના મુસાફર માટે રૂ. 5 અને બાળક માટે રૂ. 3 ભાડું એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી શરૂ કરાયેલા નવા ફીડર રૂટમાં ભાલકિયા મિલ, અનાજ બજાર, મદ્રાસી મંદિર, એલ.જી. હોસ્પિટલ, કૃષ્ણબાગ, મણિનગર ટર્મિનસ, દક્ષિણી સોસાયટી, આશાપુરી સોસાયટી (આવકાર હોલ), ગુજરાત હાઉસિંગ બોર્ડ (હરિપુરા), હાટકેશ્વર સર્કલ અને અમરાઈવાડી સહિતના મહત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ફીડર બસ રૂટમાં પુખ્ત વયના મુસાફર માટે રૂ. 5 અને બાળક માટે રૂ. 3નું વિશેષ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

બંને રૂટ પર દૈનિક 32 ટ્રિપ નવા ફીડર રૂટની વિગતો મુજબ, ફીડર-8 (સર્ક્યુલર) અને ફીડર-9 (એન્ટી સર્ક્યુલર) રૂટની બસ સેવા એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન (ન્યૂ કોટન મિલ)થી શરૂ થઈ ફરી એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન સુધી પહોંચશે. આ રૂટની કુલ લંબાઈ 9.95 કિલોમીટર છે.

મુસાફરોની સુવિધા માટે કુલ 2 બસ, જેમાં 1 સર્ક્યુલર અને 1 એન્ટી સર્ક્યુલર બસનો સમાવેશ થાય છે અને બંને રૂટ પર મળીને દૈનિક 32 ટ્રિપ, એટલે કે 16 સર્ક્યુલર અને 16 એન્ટી સર્ક્યુલર ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે. બસ સેવા દર 40થી 45 મિનિટની ફ્રિક્વન્સી સાથે ઉપલબ્ધ રહેશે. આ સેવા માટે SMC પ્રકારની બસો કાર્યરત રહેશે, જ્યારે બસોનું પાર્કિંગ ડેપો જમાલપુર રહેશે.