વડોદરાની 15 વર્ષની કિશોરીનું ઝારખંડના યુવકે અપહરણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપીને કિશોરીને ઝારખંડ લઈ ગયો હતો. આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી છે.
ચોકલેટ લેવા જવાનું કહી ઘર નજીકની દુકાને ગયા 25 જાન્યુઆરીની રાત્રે આશરે નવ વાગ્યાના અરસામાં પરિવારજનો ઘરે હાજર હતા, ત્યારે કિશોરી અને તેની નાની બહેન ચોકલેટ લેવા જવાનું કહી ઘર નજીકની દુકાને ગયા હતા. અડધા કલાક સુધી બંને પરત ન આવતા પરિવારજનો દુકાન તરફ તપાસ કરવા નીકળ્યા હતા.
તે દરમિયાન કિશોરીની નાની બહેન પડોશીના ઘરે મળી આવી હતી. નાની બહેને પૂછપરછમાં જણાવ્યું હતું કે, મોટી બહેન તેને ત્યાં મૂકીને જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનોએ નજીકની દુકાન તથા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ કિશોરી મળી આવી ન હતી.
યુવકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કિશોરીના ફોટા હતા પરિવારજનોએ કિશોરી તેની કોઈ મિત્ર અથવા સગા-સંબંધીઓના ઘરે ગઈ હોવાની શક્યતા માની શરૂઆતમાં શોધખોળ ચાલુ રાખી હતી. જોકે, બે દિવસ સુધી કિશોરીનો કોઈ પત્તો ન મળતા પરિવારજનોએ વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પરિવારની મોટી દીકરીએ જણાવ્યું હતું કે, કિશોરી અગાઉ ઝારખંડમાં રહેતા યુવક શિવમકુમાર દાસ સાથે ફોન પર વાતચીત કરતી હતી. જેથી પરિવારજનોએ યુવકનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તપાસતા તેમાં કિશોરીના ફોટા જોવા મળ્યા હતા.

