Gujarat

જામજોધપુરમાં 19 વર્ષીય યુવકે ઝેરી ટીકડા પી આપઘાત

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગળાની બીમારીથી કંટાળીને 19 વર્ષીય યુવકે ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ વિશાલ પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઈ ધંધુકીયા (ઉ.વ.19), રહે. ઘાંસના ગોડાઉન પાસે, જામજોધપુર તરીકે થઈ છે. આ બનાવ અંગે તેમના પિતા પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઈ ધંધુકીયાએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ નોંધ મુજબ, મૃતક વિશાલને છેલ્લા કેટલાક સમયથી ગળામાં દુખાવાની તકલીફ હતી. તેની ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. તેને ગળામાં કેન્સર હોવાની શંકા હતી અને જમવામાં પણ તકલીફ પડતી હતી. આ બીમારીથી માનસિક રીતે કંટાળી જઈ, વિશાલે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની વધુ તપાસ પો.હેડ કોન્સ્ટેબલ આર.કે. કંડોરીયા ચલાવી રહ્યા છે.