જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં ઉપસ્થિત લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પોતાના મતવિસ્તારના અનેક લોકપ્રશ્નો અને વહીવટી રજૂઆતો રજૂ કરી હતી. કલેક્ટરે આ પ્રશ્નોને ગંભીરતાથી ધ્યાને લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ અને ગતિશીલ કામગીરી હાથ ધરીને જનહિતના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા તાકીદ કરી હતી.
ધારાસભ્ય ખવા દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રશ્નોમાં ખેતીવાડી ફીડરોમાં નવા વીજ વાયરો નાખવા, ખોટા ટ્રીપિંગ બંધ કરવા, ફોરેસ્ટ ક્લિયરન્સમાં અટકેલા ગ્રામ્ય રસ્તાઓ અને ચેકડેમોના રિપેરિંગ, મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને લોન આપવા, કોઠાવિરડી નેશમાં ધોરણ 6-7-8 ની નવી શાળા સ્થાપવા અને વાવડી ગામે ગૌચર ફાળવવા બાબતનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સ્ટેટ હાઈવે પર સોલાર લાઈટો અને રેડિયમ માર્કિંગ કરવા, સોલાર પ્રોજેક્ટ માટે નવા ટી.સી. આપવા, જમીન ધોવાણ થયેલ ખેડૂતોને સહાય ચૂકવવા, પીવાના પાણીની નવી ટાંકીઓ બનાવવા, ચેકડેમોના નિર્માણ તથા નાની સિંચાઈ યોજનાઓ અને તળાવોના રિપેરિંગ કામો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી.

