Gujarat

ધોલેરામાં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે

ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસની સાથે હવે આરોગ્ય, શિક્ષણ, હોટેલ અને રહેણાક સહિતની શહેરી સુવિધાઓનું માળખું પણ ઝડપથી તૈયાર થઈ રહ્યું છે. ધોલેરાના એક્ટિવેશન એરિયામાં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ, હોટેલ, ગેસ્ટ હાઉસ, ફૂડ કોર્ટ, ફાયર સ્ટેશન અને રેસિડેન્શિયલ-કોમર્શિયલ પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 (VGGS)માં ધોલેરા મુખ્ય રોકાણ કેન્દ્ર તરીકે રજૂ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરામાં ચાલી રહેલા ઔદ્યોગિક, સામાજિક અને શહેરી માળખાકીય પ્રોજેક્ટ્સની સતત સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરની સમીક્ષા દરમિયાન તેમણે એક્ટિવેશન એરિયામાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની માહિતી મેળવી હતી. સરકારનો હેતુ ધોલેરાને માત્ર ઔદ્યોગિક વિસ્તાર નહીં, પરંતુ ઉદ્યોગો, રોકાણકારો, કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ધરાવતા આત્મનિર્ભર શહેરી કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે.

600 લોકો એકસાથે જમી શકશે, 42 રૂમનું ગેસ્ટ હાઉસ બનશે ધોલેરામાં રોકાણકારો અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. અહીં 42 રૂમનું ગેસ્ટ હાઉસ તૈયાર થઈ રહ્યું છે, જેમાં સ્યુટ અને કોન્ફરન્સની સુવિધા પણ હશે.

આ ઉપરાંત નવી ફૂડ કોર્ટમાં એકસાથે આશરે 600 લોકો ભોજન લઈ શકશે. 50 ટેન્ટની ક્ષમતાવાળું ટેન્ટ સિટી પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓથી ધોલેરામાં આવનારા રોકાણકારો, બિઝનેસ ડેલિગેશન અને મુલાકાતીઓને રહેવા તથા ભોજનની વ્યવસ્થા મળશે.