માણસા તાલુકાના એક ગામેથી 36 વર્ષીય મહિલા અને તેની 10 વર્ષીય પુત્રી સાથે રહસ્યમય સંજોગોમાં અચાનક લાપતા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહિલાના પતિ દ્વારા અમદાવાદના એક પડોશી યુવક વિરુદ્ધ બંનેને ભગાડી જઈ અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી માણસા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી પતિ મૂળ માણસા તાલુકાના અને હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહીને હાર્ડવેરનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો લગ્નગાળો લગભગ 16 વર્ષનો છે અને તેમને સંતાનમાં બે બાળક છે. ગઈકાલે 16 નવેમ્બરના રોજ સવારના અરસામાં ફરિયાદી પોતાના પુત્રને સાથે લઈને અમદાવાદ જવા માટે નીકળ્યા હતા, જ્યારે તેમની પત્ની અને પુત્રી ઘરે હાજર હતા.
દરમિયાન અગિયારેક વાગે ફરિયાદીને તેમની માતાએ ફોન કરીને પુત્રવધૂ અને પૌત્રી ઘરે હાજર નહીં હોવાની જાણ કરી હતી. આ સમાચાર મળતાની સાથે જ પરિવારે તાત્કાલિક ઘરે આવીને આસપાસ તેમજ સગા સંબંધીઓમાં શોધખોળ કરી હતી.પરંતુ પત્ની કે પુત્રીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
જ્યારે પત્નીનો મોબાઈલ નંબર ટ્રાય કરતા તે પણ સ્વિચ ઓફ આવતો હતો. ઘર છોડતી વખતે પત્નીએ મહેંદી કલરનો ડ્રેસ તથા પુત્રીએ કાળું પેન્ટ અને ટી-શર્ટ પહેર્યું હતું. આ મામલે ફરિયાદીએ નરોડામાં રહેતા મયંક પ્રવિણસિંહ ઝાલા ઉપર શંકા વ્યક્ત કરી છે કે તે જ તેમની પત્ની અને પુત્રીને ફોસલાવીને અથવા બળજબરીથી ભગાડીને લઈ ગયો છે. આ મામલે માણસા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

