બાંગ્લાદેશી સગીરાને વેચનાર અમદાવાદની મહિલાને પોક્સો ની વિશેષ અદાલતે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી
શહેરમાં માનવ તસ્કરી અને બાળ શોષણના એક ગંભીર કેસમાં પોક્સો ની વિશેષ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવીને ૧૩ વર્ષની માસૂમ સગીરાને બે વખત વેચવાના ગુનામાં કોર્ટે મુખ્ય આરોપી મહિલાને ૨૦ વર્ષની સખત કેદ અને ?૧ લાખના દંડની સજા ફટકારી છે. આ સાથે જ વિશેષ અદાલતે પીડિત સગીરાના પુનર્વસન માટે ૫ લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
શહેરના પૂર્વ વિસ્તારના એક મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન સુલોતના સિંઘ સામે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટ હેઠળ વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસની સુનાવણી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી હતી. વિશેષ જજ એચ.એન. દેસાઇએ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોર દ્વારા રજૂ કરાયેલી દલીલો, સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓને આધારે આરોપી મહિલાને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને આશરે એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે.
બાંગ્લાદેશની ૧૩ વર્ષની સગીરાને તેની કાકાની દીકરીના ઓળખીતા હસીના અને તેના પતિએ ફરવાના બહાને બાંગ્લાદેશમાંથી જંગલ માર્ગે ગેરકાયદે ભારતની સરહદ પાર કરાવી હતી. ત્યારબાદ બંને સગીરાને પશ્ચિમ બંગાળના કલકત્તા લઈ ગયા અને ત્યાંથી ટ્રેન મારફતે અમદાવાદ લાવવામાં આવી હતી. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં થોડો સમય રાખ્યા બાદ આરોપીઓએ સગીરાને અન્ય એક મહિલાને વેચી દીધી હતી. ત્યારબાદ તે મહિલાએ નારોલ વિસ્તારમાં રહેતી સુલોતના સિંઘને ૪૦ હજાર રૂપિયામાં સગીરાને વેચી દીધી હતી. છેલ્લા દોઢથી બે વર્ષ સુધી સગીરા સુલોતનાના ઘરે ઘરકામ કરતી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે જ્યારે સુલોતના ઘરે હાજર ન હોય ત્યારે તેનો દીકરો સનાતનસિંઘ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. સમગ્ર ઘટનાએ માનવ તસ્કરી અને બાળ શોષણના ગંભીર પાસાઓને ઉજાગર કર્યા છે. પીડિતાના પિતાનું બાંગ્લાદેશમાં અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તે પોતાની કાકાની દીકરી પાસે રહેવા ગઈ હતી. ત્યાંથી આરોપીઓ તેને વિશ્વાસમાં લઈને ભારત લાવ્યા હતા. બાદમાં કાકાની દીકરીને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવી હતી, જ્યારે સગીરાને અમદાવાદમાં રાખીને તેનું શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસે નારોલ વિસ્તારમાંથી સગીરાને મુક્ત કરાવી હતી અને તેના નિવેદનના આધારે ગુનો નોંધ્યો હતો.
આ મામલે તપાસ પૂર્ણ થયા બાદ કેસ કોર્ટમાં ચાલ્યો અને હવે વિશેષ અદાલતે આરોપી મહિલાને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે પીડિતાને પુનર્વસન અને સહાય માટે સંબંધિત ઓથોરિટીને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

