Gujarat

હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

​પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તાર ‘હર હર મહાદેવ’ અને ‘જય ભવનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યો છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસની શરૂઆત નિમિત્તે ભવનાથ મંદિરને રંગબેરંગી ફૂલો અને હારમાળાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.

આ ઉપરાંત આગામી 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વને લઈ નિજ મંદિરમાં વિશેષ ત્રિરંગા શણગાર પણ કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જૂનાગઢ શહેર તેમજ આસપાસના તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને વિવિધ મંદિરોમાં ધૂન, ભજન તથા પ્રસાદીના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે.

ગિરનાર તળેટી અને ભવનાથ ક્ષેત્રમાં શ્રાવણના પ્રારંભ સાથે જ મેઘરાજાએ પણ ઝરમર વરસાદ સ્વરૂપે હાજરી આપતા વાતાવરણ અત્યંત રમણીય અને આહલાદક બની ગયું છે. જામનગરથી અમાસ સાચવવા અને ભવનાથના દર્શને આવેલા શ્રદ્ધાળુ ભીમસીભાઈ કરંગિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે સાંજે જ અહીં પહોંચી ગયા હતા.

વિક્રમ સંવતના આ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભે ગિરનારના કુદરતી વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ સાથે ભોળાનાથના અદ્ભુત દર્શન થવા એ તેમના માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આ સોહામણા વાતાવરણમાં ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરીને તમામ દર્શનાર્થીઓએ ધન્યતાની અનુભૂતિ કરી છે.