Gujarat

જામનગરના પ્રખ્યાત ‘સુરેશ ફરસાણ’ના ચવાણામાંથી ગરોળી નીકળી

​જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ‘સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ’ની દુકાનના ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક દરોડા પાડી સઘન તપાસ હાથ ધરી હતી અને ગંભીર બેદરકારી બદલ પેઢીને 3 દિવસ સુધી બંધ રાખવાનો હુકમ કર્યો છે.

​અડધું પેકેટ ખાધા બાદ ગરોળી દેખાતા ગ્રાહક ચોંકી ઉઠ્યા એક ગ્રાહક બે-ત્રણ દિવસ પહેલા નાગનાથ ગેટ પાસે આવેલા ‘સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ’માંથી ચવાણાનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા. ગઈકાલે આ પેકેટ ખોલતા પરિવારજનોએ અડધું પેકેટ ચવાણું ખાઈ લીધા બાદ અંદર લોટવાળી પેકિંગમાં તળાયેલી હાલતમાં મૃત ગરોળી જોવા મળી હતી.

આ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક મનપાની ફૂડ શાખાને જાણ કરી હતી. જેથી ફૂડ શાખાની ટીમ સાથે ચવાણાનું પેકેટ લઈને દુકાને પહોંચ્યા હતા, જ્યાં દુકાનદાર અને અધિકારીઓની રૂબરૂમાં પેકેટ ખોલીને અંદરથી નીકળેલી ગરોળી બતાવી હતી.

​રસોડામાં ખુલ્લી બારીઓ અને ખરાબ તેલ જોવા મળ્યું ફૂડ શાખાની ટીમે દુકાન અને રસોડામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ પણ મળી આવ્યું હતું, જેથી ટીમ દ્વારા ખાદ્યચીજો અને તેલના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રસોડામાં બારીઓ ખુલ્લી હોવાથી ત્યાંથી ગરોળી કે જીવજંતુ અંદર આવવાની પૂરી શક્યતા હોવાનું જણાતા તમામ બારીઓ પર જાળી લગાવવા કડક સૂચના અપાઈ છે.