હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે મગફળીની ધીંગી આવક નોંધાઈ છે. ચાર દિવસના વિરામ બાદ બુધવારે રાત્રે 8 વાગ્યે મગફળીની આવક ફરી શરૂ કરાતા, મઘરાતે બાર વાગ્યા સુધી એટલે કે માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં જ 560થી વધુ વાહનો મારફતે આશરે 42 હજાર ગુણી મગફળી યાર્ડમાં ઠલવાઈ હતી.
સ્થાનિક જામનગર પંથકમાં અપુરતા વરસાદના કારણે ચાલુ સીઝનમાં મગફળીનું નહીવત ઉત્પાદન થયું હોવા છતાં, બજારમાં મગફળીની ભારે માંગ જોવા મળી રહી છે. ખાસ કરીને તમિલનાડુ સહિતના બહારના વેપારીઓની ધૂમ ખરીદી અને સારા ભાવ મળવાની આશાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા સિવાય આજુબાજુના અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ મોટી માત્રામાં મગફળી લઈને હાપા યાર્ડ પહોંચ્યા હતા.
વાહનોની લાંબી કતારોથી યાર્ડ રોડ વ્યસ્ત બનતા ચાર કિલોમીટરથી પણ વધુ લાંબી કતારો લાગી ગઈ હતી. બહારના વેપારીઓની સક્રિય લેવાલીને કારણે મગફળીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.
તમિલ વેપારીઓની ખરીદી અને બજારનો ટ્રેન્ડ તમિલનાડુના 25થી 30 વેપારીઓ છેલ્લા ચાર સપ્તાહથી હાપા યાર્ડમાં ધામા નાખીને ખરીદી કરી રહ્યા છે. તેઓ મગફળીનો ઉપયોગ મુખ્યત્વે બિયારણ તરીકે કરે છે.
બજારમાં હાલ 9 નંબરની મગફળીના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે, જ્યારે 66 નંબરની મગફળીની પણ બજારમાં સારી બોલબાલા જોવા મળી રહી છે.ગુરૂવારે યાર્ડમાં મગફળી નવ નંબરના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ રૂા. 1700થી 3020 સુધી બોલાયા હતા. ચાલુ વર્ષનો મગફળીનો આ ભાવ વિક્રમી ગણાવાઇ રહયો છે.

