Gujarat

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં બકરી ઈદ તહેવારને અનુલક્ષીને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ

તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓ પર ચુસ્ત દેખરેખ રાખવા સૂચના

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓ પર ચુસ્ત દેખરેખ રાખવા, ટ્રાફિક નિયમન અને ઈમરજન્સી સેવાઓની સજ્જતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ વડાશ્રીઓ તથા તમામ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ ઓનલાઈન માધ્યમથી જાેડાયા હતા.