Gujarat

અંકલેશ્વરના નવા કાંસિયા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જમીનના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા સંકલ્પબદ્ધ કર્યા

પર્યાવરણ અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રગતિશીલ ખેડૂતો સન્માનિત

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નવા કાંસિયા ગામે શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ બાદ સવારે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.

આ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ સરકારના સહયોગથી છેલ્લા લગભગ છ વર્ષથી ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન બની ચૂક્યું છે. જેના થકી આપણે આપણી આવનારી પેઢીને બચાવી શકીશું.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ૬૦ના દાયકામાં ડૉ. સ્વામીનાથને હરિયાળી ક્રાંતિ શરૂ કરી હતી. તે એ સમયની માંગ હતી, પરંતુ આપણે લોકોએ પરંપરાગત ખેતીને બિલકુલ છોડી દીધી, પશુપાલન છોડી દીધું. છાણ, ગૌમૂત્ર વગેરે જે ખેતરોમાં નાખતા હતા, તે હવે નહિવત જેવું થઈ ગયું.

આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં ઝેરી યુરીયા, ડીએપી તથા જતુંનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ બિમારી વધી રહી છે. ટુંકા સમયના ફાયદા માટે આપણે પર્યાવરણ અને માનવજાતને નુકશાન પહોંચાડી અપરાધ કરી રહ્યા છીએ. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થરસમાન બની થઇ છે, હવામાં ઝેરી તત્વો ભળવા સાથે ભુર્ગભ જળ પણ દૂષિત બન્યા છે. આમ, સમગ્ર પર્યાવરણ અને માનવજાત સામે મોટું સંકટ ઉભું થયું છે. ત્યારે ધરતીપુત્રોએ ખરાઅર્થમાં જીવનદાતા બનવા કમર કસવી જાેઇએ. સમગ્ર સમાજ અને પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જાેઇએ.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલશ્રીએ ભરૂચના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે, સમય સાથે ઉત્પાદન વધવા ઉપરાંત જમીન ફળદ્રુપ થાય છે તેમજ ઓછા પાણીએ ખેતી કરવી શક્ય બને છે. તેમણે પ્રાકૃતિક ખેતી માટે અળસિયા તેમજ સુક્ષ્મ જીવાણુંની જરૂરીયાત તથા જીવામૃત અને ઘનજીવામૃત અંગે માહિતી આપી હતી.

રાસાયણિક ખેતી થકી આજે દેશનું ધન વિદેશમાં ચાલ્યું જતું હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનમાં સહભાગી બનવા હાંકલ કરી હતી. ભરૂચના ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના માત્ર એક ભાગથી પ્રયોગાત્મક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ થઇને દર વર્ષે તેમાં વધારો કરતા જવા અનુરોધ કર્યો હતો. તેમણે રાસાયણિક ખેતીની વિનાશકારી અસરો અંગેના કેટલાક સંશોધનોનો ઉલ્લેખ કરીને માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યા અંગેનો મીડિયા રિપોર્ટ બતાવી ચિંતા વ્યકત કરી હતી. આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતા અટકાવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ હોવાનું ઉમેર્યું હતું.

રાજ્યપાલશ્રીએ હરિયાણા, ગુરુકુલ કુરુક્ષેત્રની જમીનમાં પ્રાકૃતિક ખેતીના સફળ પરિણામ તથા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જાેવા મળેલા અભૂતપૂર્વ પરીણામનો ઉલ્લેખ કરતા ભરૂચના ખેડૂતોને કોઇપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક વગર કઇ રીતે સફળ પ્રાકૃતિક ખેતી કરાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ખેડૂતોને ઉત્પાદન ઘટવાની ભ્રાંતિમાંથી બહાર નિકળવા ભરૂચના સફળ પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લઇ પોતાનો વિશ્વાસ દ્રઢ કરવા સૂચવ્યું હતું.

દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ ગાયને ખેતી માટે વરદાનરૂપ ગણાવી હતી. તેના ગોબર અને ગૌમુત્ર પણ પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન હોવાનું જણાવતા દુધના માધ્યમથી આવક વધારવા ખેડૂતોને ઉન્નત ઓૈલાદની ગાય માટે આધુનિક ટેક્નોલોજીની મદદથી બ્રીડીંગ કરવા જણાવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, હું ખેડૂત છું, તમારી વચ્ચે જ રહું છું. હું જે રાત-દિવસ ફરી રહ્યો છું, જે પ્રયાસ કરું છું, મારો એક જ ઉદ્દેશ્ય છે, ખેડૂતોનું ભલું થાય, આવનારી પેઢીઓનું કલ્યાણ થાય, આ ધરતી માતા બચે, ગૌમાતા બચે, પર્યાવરણ બચે, પાણી બચે, લોકોનું સ્વાસ્થ્ય બચે અને દેશનું ધન બચે.

ભરૂચ જિલ્લાની કૃષિ સખીઓ અને સી.પી.આર.ને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે, ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ ભરૂચના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન કરવા હાંકલ કરી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે ત્યારે ખેડૂતોને આ મિશનને સફળ બનાવવા યોજનાઓનો લાભ લઇ માનવજાત અને પર્યાવરણની ચિંતા કરવા અનુરોધ કર્યો હતો.

પરિસંવાદમાં ભરૂચના પ્રગતિશીલ ખેડૂતો અલ્કેશ પટેલ તથા મહેશ પટેલે ઉપસ્થિત ખેડૂતો સમક્ષ સફળ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સાથોસાથ પ્રાકૃતિક કૃષિ અને પર્યાવરણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા માટે થયેલા સંનિષ્ઠ પ્રયાસોની માહિતિ આપી હતી.

રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિના સંકલ્પ અને નેમને સાચા અર્થમાં સાકાર કરવા માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. જિલ્લાના વધુમાં વધુ ધરતીપુત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઝીરો-બજેટ ખેતી અપનાવે તે માટે પ્રશાસન દ્વારા ‘મિશન મોડ‘ પર આયોજન હાથ ધરી જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશેષ ખેડૂત સેમિનારો યોજીને વ્યાપક લોકજાગૃતિ લાવવા માટેની એક સુવ્યવસ્થિત રોડમેપ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય રાજ્યપાલશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિવેકભાઈ, ગામના સરપંચશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, અગ્રણી શ્રી પ્રકાશ મોદી, પ્રાંત અધિકારીશ્રી, સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના ધરતીપુત્રો, કૃષિ સખીઓ અને ઝ્રઇઁ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.