આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
દિવાળી એટલે પાંચ પર્વોનું સ્નેહસંમેલન,સદ્ગુણોની સાધના અને માનવતાના મંગલ સંકલ્પનો મહોત્સવ છે.દિવાળી એટલે આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતા અને પ્રકાશનો ઉત્સવ. દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા, આધ્યાત્મિક ચેતના અને પારિવારિક સ્નેહનું અનોખું સંમેલન છે. વાઘબારસથી શરૂ થઈને ધનતેરસ, કાળીચૌદશ, દીપાવલી, નૂતન વર્ષ અને ભાઈબીજ સુધી વિસ્તરતો આ ઉત્સવ આપણને જીવન જીવવાની સુંદર દિશા આપે છે. દરેક પર્વની પોતાની આગવી વિચારધારા છે જે માનવીને ધર્મ, કર્તવ્ય, સદાચાર,પરોપકાર અને પ્રેમનો સંદેશ આપે છે.દિવાળીનો સાચો અર્થ માત્ર ઘરની બહાર દીવા પ્રગટાવવા પૂરતો સીમિત નથી. આપણા અંતરમાં રહેલા અજ્ઞાન,અહંકાર, ઈર્ષ્યા,દ્વેષ અને સ્વાર્થના અંધકારને દૂર કરીને જ્ઞાન,પ્રેમ,કરૂણા અને માનવતાનો પ્રકાશ પ્રગટાવવો એ જ દિવાળીનો સાચો સંદેશ છે.
દીપાવલી-બાહ્ય પ્રકાશથી આંતરિક જાગૃતિ સુધી..
દીપાવલીનો અર્થ દીવડાઓની હારમાળા થાય છે.આ દિવસે ઘરો-મંદિરો અને આંગણામાં દીવા પ્રગટાવવામાં આવે છે.માતા મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જ્યારે સરસ્વતી અને કાળીની ઉપાસના જ્ઞાન-વિવેક અને શક્તિના મહત્વને પણ ઉજાગર કરે છે.ભારતીય સંસ્કૃતિમાં દીવો જ્ઞાન અને આશાનું પ્રતીક છે.એક નાનકડો દીવો પણ ઘેરા અંધકારને દૂર કરી શકે છે તેવી જ રીતે જીવનમાં જ્ઞાનનું એક કિરણ પણ અજ્ઞાન-ભ્રમ અને નિરાશાને દૂર કરવાની શક્તિ ધરાવે છે.
ઉપનિષદોમાં પ્રાર્થના આવે છે કે.“તમસો મા જ્યોતિર્ગમય” હે પ્રભુ ! અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ.આ પ્રાર્થના દિવાળીના આધ્યાત્મિક ભાવને સુંદર રીતે વ્યક્ત કરે છે.બહાર દીવા પ્રગટાવવાની સાથે અંતરમાં પણ જ્ઞાન,પ્રેમ,સત્ય અને કરૂણાનો દીવો પ્રગટાવવો જોઈએ.જો મનમાં દ્વેષ અને ઈર્ષ્યાનો અંધકાર હોય તો હજારો દીવા પ્રગટાવવા છતાં જીવનમાં સાચો પ્રકાશ આવતો નથી.
દિવાળી આત્મચિંતનનો પણ અવસર છે.આખા વર્ષ દરમિયાન આપણે શું મેળવ્યું? શું ગુમાવ્યું? કોને મદદ કરી? અને કોને દુઃખ પહોંચાડ્યું? તેનું સરવૈયું કાઢવું જોઈએ. રાગ-દ્વેષ,વેરઝેર,ઈર્ષ્યા અને કડવાશને દૂર કરીને સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો સંકલ્પ કરવો જોઈએ.
ભારતીય પરંપરામાં દીપાવલી સાથે ભગવાન શ્રીરામના ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવાની કથા જોડાયેલી છે.અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું એવી લોકપ્રચલિત માન્યતા છે, આ પ્રસંગ ધર્મ-સત્ય અને ન્યાયના વિજયનું પ્રતીક છે,અન્ય પરંપરાઓમાં પણ આ દિવસને વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્મૃતિઓ સાથે જોડવામાં આવે છે.
જૈન પરંપરામાં ભગવાન મહાવીરના નિર્વાણની સ્મૃતિ દીપાવલી સાથે સંકળાયેલી છે.શીખ પરંપરામાં બંદીછોડ દિવસનું વિશેષ મહત્વ છે.આ વિવિધ પરંપરાઓ દર્શાવે છે કે પ્રકાશ, મુક્તિ, સત્ય અને કલ્યાણની ભાવના અનેક માર્ગોથી માનવજીવનને પ્રેરણા આપે છે.
આજે માનવજાતે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે છતાં માનવી અને માનવી વચ્ચેનું અંતર ઘણીવાર વધી રહ્યું છે.ભૌતિક સુખસગવડો વધે છે પરંતુ મનની શાંતિ અને સંબંધોની ઉષ્મા ઘટે તો સમૃદ્ધિ અધૂરી રહે છે તેથી નવા વર્ષે સંકલ્પ કરીએ કે આપણે માત્ર સંપત્તિમાં નહીં પરંતુ સંસ્કાર, સહાનુભૂતિ,નૈતિકતા અને માનવતામાં પણ સમૃદ્ધ બનીશું. ભગવદ્ ગીતામાં મનને મિત્ર અને શત્રુ બંને બનવાની શક્તિ ધરાવતું ગણાવવામાં આવ્યું છે તેથી મનને સારા વિચારો-સંયમ અને સદાચાર તરફ વાળવું જરૂરી છે.ખરાબ આદતો છોડવી,સમયનો સદુપયોગ કરવો અને સમાજના હિત માટે યથાશક્તિ યોગદાન આપવું એ નવા વર્ષની શ્રેષ્ઠ ભેટ છે.
દિવાળીનો સાચો સંદેશ : મનુષ્યતાનો દીવો પ્રગટાવીએ
દિવાળીનાં તમામ પર્વો આપણને જીવનનાં જુદાં જુદાં મૂલ્યો શીખવે છે.વાઘબારસ જીવદયાની, ધનતેરસ નીતિપૂર્ણ સમૃદ્ધિની, કાળીચૌદશ આત્મશુદ્ધિની, દીપાવલી જ્ઞાન અને પ્રકાશની, નૂતન વર્ષ નવી શરૂઆતની અને ભાઈબીજ સ્નેહ તથા સન્માનની પ્રેરણા આપે છે.આપણે ઘરને શણગારીએ,દીવા પ્રગટાવીએ,મીઠાઈ વહેંચીએ અને સ્નેહમિલન કરીએ પરંતુ સાથે સાથે કોઈ ગરીબના ઘરમાં આશાનો દીવો પ્રગટાવીએ,કોઈ નિરાશ વ્યક્તિને હિંમત આપીએ,કોઈ ભૂખ્યા માણસને ભોજન આપીએ અને કોઈ એકલવાયા વ્યક્તિને પ્રેમભર્યો સાથ આપીએ તો દિવાળીનું પર્વ વધુ અર્થપૂર્ણ બની શકે છે.
સાચી દિવાળી ત્યારે છે જ્યારે આપણા વિચારોમાં પવિત્રતા,વાણીમાં મધુરતા,વર્તનમાં નમ્રતા અને હૃદયમાં સર્વજીવ પ્રત્યે પ્રેમ હોય. ધનનો અહંકાર નહીં પરંતુ સેવાનો આનંદ હોય,શક્તિનો દુરૂપયોગ નહીં પરંતુ નબળાનું રક્ષણ હોય અને જ્ઞાનનો દેખાડો નહીં પરંતુ અજ્ઞાન દૂર કરવાની ભાવના હોય.
આવો આ દિવાળીએ આપણા અંતરમાં સદ્ગુણોનો દીવો પ્રગટાવીએ, જૂની કડવાશ ભૂલીને પ્રેમનું નવું પ્રકરણ શરૂ કરીએ.ધનને ધર્મ સાથે, સમૃદ્ધિને સેવા સાથે અને ભક્તિને માનવતા સાથે જોડીએ.

