છોટાઉદેપુર જિલ્લાના કદવાલ વિસ્તારમાં રહેણાંક અને જંગલની જમીન પરથી મોટા પ્રમાણમાં લીલાંછમ ઝાડ કાપવામાં આવી રહ્યાં હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એક તરફ સરકાર ‘એક પેડ મા કે નામ’ જેવું પર્યાવરણલક્ષી અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ કદવાલમાં બેફામ રીતે ચાલતી વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ આડેધડ કટિંગથી વિસ્તારની હરિયાળીને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમજ ઓક્સિજન ઘટવાની અને પ્રદૂષણ વધવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
તાજેતરમાં લાકડાથી ભરેલો એક ટેમ્પો કદવાલથી છોટાઉદેપુર જિલ્લાની સરહદ પાસેના ગામ તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા વચ્ચે જ ટેમ્પો આડો થઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ગેરકાયદે લાકડાની હેરાફેરી ચાલતી હોવાની વાત ખુલ્લેઆમ સામે આવી છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં ઝાડ કપાતા હોવા છતાં અને લાકડાની હેરાફેરી થતી હોવા છતાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, તેવી સ્થાનિક લોકોની પ્રબળ ફરિયાદ છે. વિડિયો વાયરલ થયા બાદ હવે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ ગેરકાયદે કટિંગ તથા લાકડાની હેરાફેરી તાત્કાલિક અસરથી રોકવા માટે કડક પગલાં લેવાની માગ ઊઠી છે.
સરકારના ‘એક પેડ મા કે નામ’ સૂત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કયા અધિકારીની રહેમનજર છે, તેવા વેધક સવાલો હવે સ્થાનિક નાગરિકો ઉઠાવી રહ્યા છે. વિડિયો વાયરલ થયા બાદ હવે જવાબદાર વન વિભાગ અને સ્થાનિક તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે શું કડક પગલાં લેશે, તેના પર સૌની નજર મંડાઈ છે.

