Gujarat

કલોલના કાંઠામાં હડકમાઈ માતાના મેળામાં દર્શનની લાઈનમાં ઉભેલી યુવતીના ગળામાંથી ૧.૭૦ લાખની સોનાની ચેઈન તફડાવનાર મહિલા ઝડપાઈ

ગાંધીનગરના કલોલના કાંઠા ગામમાં હડકમાઈ માતાના મેળામાં ભીડનો લાભ ઉઠાવીને ભક્તોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. અમદાવાદના અસારવા વિસ્તારથી દર્શન કરવા આવેલા એક પરિવારની યુવતીના ગળામાંથી ૧.૭૦ લાખની કિંમતની દોઢ તોલાની સોનાની ચેઈન તફડાવી લેવાના કેસમાં પાટણની કંચનબેન ઠાકોર નામની મહિલા વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદના અસારવા કડીયાની ચાલીમાં રહેતા પાયલબેન પટણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ૧૨ એપ્રિલના રોજ સહપરિવાર સાથે કાંઠા ગામે દર્શન કરવા ગયા હતા. ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યે મંદિરની બહાર મહિલાઓની લાઈનમાં ઉભા હતા. આ સમયે મંદિરના ઝાળીવાળા દરવાજા પાસે તેમની બહેન તનીશાના ગળામાંથી કોઈએ સોનાની ચેઈન ખેંચી હોવાનો અહેસાસ થયો હતો.આથી તનીશાએ તુરંત પાછળ જાેતા બે અજાણી સ્ત્રીઓ ભાગતી જાેવા મળી હતી. જે પૈકી એક મહિલાને પરિવારે સ્થળ પર જ પકડી પાડી હતી.

બાદમાં પકડાયેલી મહિલાને મંદિર ટ્રસ્ટની ઓફિસમાં લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની પાસેથી સોનાની ચેઈન મળી આવી નહોતી.ફરિયાદીનો આક્ષેપ છે કે પકડાયેલી મહિલાએ ચોરી કરેલી આશરે ૧.૭૦ લાખની કિંમતની બિસ્કિટ આકારની ડીઝાઈનવાળી ચેઈન પોતાની સાથેની અન્ય અજાણી મહિલાને આપી દીધી હતી. પકડાયેલી મહિલાની ઓળખ કંચનબેન ઠાકોર (રહે. રાધનપુર રેલ્વે સ્ટેશન, પાટણ) તરીકે થઈ છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.