પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ટપલાવાવ ગામમાં મંગળવારે રાત્રે એક 40 વર્ષીય મહિલાનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલાનું નામ કૈલાસબેન દિનેશભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
કૈલાસબેન ટપલાવાવ ગામના લીટી ફળિયામાં પરિવાર સાથે રહેતા હતા. રાત્રિના સમયે તેઓ કુવામાં પડી ગયા હોવાની જાણ ગામલોકો દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ કૈલાસબેનને બચાવી શકાયા નહોતા.
કૈલાસબેનનું પિયર ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે છે. તેમના પિતા ભયલાલભાઈ રાઠવાએ આ ઘટના અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે રાત્રે 9 વાગ્યે કૈલાસબેનના પુત્રનો ફોન આવ્યો હતો કે તેમની માતા કુવામાં પડી ગયા છે. જોકે, કુવાની પાળી ઊંચી અને સુરક્ષિત હોવાથી અકસ્માતે પડી જવાની વાત માનવી મુશ્કેલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભયલાલભાઈએ આક્ષેપ કર્યો છે કે કૈલાસબેનના ઘરમાં છેલ્લા ઘણા સમયથી પારિવારિક ઝઘડા ચાલતા હતા. તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે.

