જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું કારણ અકબંધ છે.
40 વર્ષીય યુવકે આત્મહત્યા કરી જૂનગાઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાકેશ જેઠવા નામના યુવાનનો વિલિંગ્ડન ડેમ પરના ડુંગર પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ અને વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ દુઃખદ ઘટના અંગે યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પરિવારના સભ્યના આવા અચાનક મોતના સમાચાર મળતા જ પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

